વોટ્સએપના `યુઝરનેમ’ ફીચર પર રોક

copy image

copy image

વ્હોટ્સએપનું નવું યુઝરનેમ ફીચર સરકારની નજરે ચડી ગયું છે. કેન્દ્ર સરકારે આ ફીચરની તપાસ આદરી છે.  સરકારે `મેટા’ને નોટિસ આપતાં `યુઝરનેમ’ ફીચર પર ત્રણ દિવસમાં વિસ્તૃત જવાબ આપવા કહ્યું હતું. સાથોસાથ આ મામલે તપાસ પૂરી ન થઇ જાય, ત્યાં સુધી ભારતમાં આ ફીચર લોન્ચ કરવાનું રોકવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સરકારે વોટ્સએપના આ નવાં ફીચરમાં યુઝરની ગોપનીયતા અને સુરક્ષા સંબંધિત પાસાંઓની તપાસ શરૂ કરી છે. અહેવાલો મુજબ,આ ફીચરથી ઓળખ છુપાવીને સાયબર છેતરપિંડીના અપરાધોનું જોખમ વધી જાય છે. `મેટા’એ વ્હોટ્સએપમાં મોબાઈલ નંબર બતાવ્યા વિના ચેટ કરી શકાય, તેવું ફીચર લોન્ચ કર્યું હતું, જેમાં લોકો માત્ર યુઝરનેમ મારફતે કોઈ નવી વ્યક્તિ સાથે ચેટ કરી શકે છે. સરકારની ચિંતા એ છે કે, નંબર છુપાવવાની આઝાદી મળી જશે, તો અપરાધીઓ માટે કોઈ બીજાનાં નામે બોગસ એકાઉન્ટ બનાવીને લોકોને છેતરવા સરળ બની જશે. ભારતમાં વ્હોટ્સએપના 50 કરોડથી વધારે યુઝર છે. આટલા મોટા યુઝરબેઝની સુરક્ષા અને બોગસ પ્રોફાઈલથી છેતરપિંડી રોકવા માટે સરકાર નવાં ફીચરને પારખવા માગે છે. કેન્દ્ર સરકારે તપાસનો નિર્ણય કરતાં કહ્યું હતું કે, વ્હોટ્સએપનું આ નવું ફીચર સાયબર અપરાધીઓ માટે નવી સુવિધા તો નહીં બની જાય ને, તે સરકાર સમજવા માગે છે. તપાસમાં કોઈ ગંભીર ખામી કે, સુરક્ષાને જોખમાવતી સમસ્યા સામે આવશે, તો વ્હોટ્સએપની સ્વામી કંપની મેટાને નોટિસ અપાશે. નવું ફીચર ટેલિગ્રામ જેવું છે, ટેલિગ્રામ પર પણ બોગસ યુઝરનેમથી છેતરપિંડીના ઘણા કિસ્સાઓ બાદ કેન્દ્ર સરકાર વધુ સતર્ક બની છે.