કચ્છમાં 18 પાકિસ્તાની,1 અફઘાનીને 20 વર્ષની સખત કેદ તેમજ દરેકને બે લાખનો દંડ

વર્ષ 2020, 2021 અને 2022માં કચ્છની જળસીમા વાટે કેફી દ્રવ્ય ઘુસાડવાના પાકિસ્તાનના નાપાક કારસ્તાનનો પર્દાફાશ થયો હતો, જેમાં 175 કરોડ, 150 કરોડ અને 250 કરોડના હેરોઇન સાથે ઝડપાયેલા કુલ 18 પાકિસ્તાની અને એક અફઘાની આરોપીને 20 વર્ષની સખત કેદ તથા દરેકને બે લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો અહીં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ સ્પેશિયલ કોર્ટ કોર્ટ અને ત્રીજા અધિક સેશન્સ જજ વી.એ. બુદ્ધે આપ્યો છે. બે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. કચ્છમાં ડ્રગ્સના કેસમાં એકસાથે 19 આરોપીને સજા ફટકારાઇ હોય એવો તાજેતરના ઇતિહાસનો પ્રથમ બનાવ છે. આરોપીઓએ ભારતના યુવાનોને નિશાન બનાવવા અને ગંભીર વ્યસનમાં ધકેલવાનું કાર્ય સામાન્ય કૃત્ય કહેવાય નહીં તેમજ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઘુસાડી રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું આયોજનબદ્ધ કાવતરું કર્યું હતું. નશાની સમસ્યા રાષ્ટ્રીય સ્તરે સંકટ બની દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરે તેવા તારણો કાઢી આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા.કચ્છની જળસીમાએથી ડ્રગ્સ ઘુસાડવાના આ બે કેસની દિલધડક વિગતો મુજબ ગુજરાતના આતંકવાદ વિરોધી દળને ખાનગી બાતમી મળેલ હતી કે, પાકિસ્તાનના કાપર ક્રીકના દરિયામાં બોટ દ્વારા પાકિસ્તાનથી ગેરકાયદે માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ભરી જખૌના દરિયામાં ડિલિવરી કરવાના છે. આથી એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન આદરી તા. 6/1/2020ના પાંચ પાકિસ્તાની સાથેની પાકિસ્તાની બોટ ઝડપી તેની તલાશી લેતાં તેમાંથી 175 કરોડનો 35 કિલો હેરોઇનનો જથ્થો મળ્યો હતો. જેમાં ચાર આરોપી(રહે. તમામ પાકિસ્તાન) વિરુદ્ધ તપાસના અંતે પુરાવાના આધારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.તા. 15/4/21ના પણ જખૌમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવતી પાકિસ્તાની બોટને બાતમીના આધારે ઝડપાઇ હતી, જેમાં માદક પદાર્થ હેરોઇનનો જથ્થો 30 કિલો કિં. રૂા. 150 કરોડ સાથે આઠ આરોપીઓ મુર્તઝા (રહે. તમામ પાકિસ્તાન)ને ઝડપી ગુનો દાખલ કરી તપાસના અંતે ચાર્જશીટ દાખલ કરાઇ હતી. આવી જ રીતે પાકિસ્તાનના હૈદરી પોર્ટ ખાતેથી દરિયામાં બોટ દ્વારા પાકિસ્તાનની ગેરકાયદે હેરોઇનનો જથ્થો ભરી જખૌના દરિયામાં ડિલિવરી આપવા નીકળેલી બોટને પણ તા. 8/10/2022ના સફળતાપૂર્વક ઝડપી લેવાઇ હતી, જેમાંથી 50 કિલો હેરોઇન કિં. રૂા. 250 કરોડના જથ્થા સાથે છ આરોપીઓ (રહે. તમામ પાકિસ્તાન)ને ઝડપી લેવાયા હતા અને તપાસમાં એક બીજા શખ્સ(રહે. અફઘાનિસ્તાન)ની પણ સંડોવણી ખૂલતાં તેની પણ અટક કરી તપાસના અંતે ચાર્જશીટ દાખલ કરાઇ હતી. આ ત્રણે કેસમાં ઉપરોક્ત 19 આરોપીને એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) અને 23 (સી)માં તક્સીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને બે લાખનો દંડ ફટકારાયો હતો.બંને કલમની સજાઓ અલગ-અલગ ભોગવવાનો કોર્ટે હુકમ કર્યો છે. ફરિયાદ તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી