કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ જયંતી પખવાડિયા અંતર્ગત મુન્દ્રા ખાતે જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું

ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ જયંતી પખવાડિયાના ભાગરૂપે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે મુન્દ્રા બારોઈ રોડ પર સ્થિત લક્ષ્મી હોલ ખાતે કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેજા હેઠળ જિલ્લા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્યામાપ્રસાદજીના આ રાષ્ટ્ર પ્રત્યેના અદકેરા સમર્પણ અને બલિદાનને યાદ કરવા માટે સળંગ પંદર દિવસો સુધી તેમની સ્મૃતિ અને ચરિત્ર ઉજાગર કરતા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
આજના આ સંમેલન દરમિયાન સર્વે ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારોને જનજન સુધી પહોંચાડવાની નેમ પણ વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે સુંદર રીતે યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે તેમના સ્વાગત ઉદ્બોધનમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને કાર્યકર્તાઓનું સૌ પ્રથમ શાબ્દિક સ્વાગત કર્યા બાદ જણાવ્યું હતું કે શ્રદ્ધેય શ્યામાપ્રસાદજીએ રાષ્ટ્રની એકતા અને ગૌરવ માટે જીવન સમર્પિત કરીને “એક દેશમાં બે નિશાન, બે પ્રધાન અને બે વિધાન નહીં ચાલે” એવું પ્રખર રાષ્ટ્રવાદી સૂત્ર આપ્યું હતું. કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ અને અખંડિતતા માટેના એમના સ્પષ્ટ અને સટિક વિચારો અને આખરે પ્રાણોની આહુતિ સુધીના એમના જીવન બલિદાનને આ દેશ ક્યારેય ભૂલી નહીં શકે.
પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ પોતાના વક્તવ્યમાં ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ તરીકે ડો. મુખર્જીના રાજકીય, શૈક્ષણિક અને રાષ્ટ્રીય યોગદાનનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે ડો. મુખર્જીએ રાષ્ટ્રવાદના મજબૂત પાયાને સ્થાપિત કરીને દેશના રાજકીય જીવનને નવી દિશા આપી હતી. તેમના રાષ્ટ્રવાદી વિચારો, તેમની રાજકીય દ્રષ્ટિ તથા ભારતના સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પુનર્જાગરણ માટે તેમણે કરેલા પ્રયાસો અને વિચારો આજે પણ ભાજપના કરોડો કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ખાસ પધારેલ પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સમગ્ર જીવનચરિત્ર પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે તેમનું જીવન રાષ્ટ્રપ્રેમ, ત્યાગ, સંઘર્ષ અને અખંડ ભારતના સંકલ્પનું જીવંત પ્રતિક છે. કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ માટે તેમણે આપેલું બલિદાન દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સમગ્ર જીવનચરિત્ર, તેમના સંઘર્ષમય જીવનપ્રવાસ તથા રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સ્વાભિમાન માટેના તેમના અવિસ્મરણીય યોગદાન વિશે પણ તેમણે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં જણાવ્યું હતું કે ડો. મુખર્જીનું જીવન દેશપ્રેમ, રાષ્ટ્રનિષ્ઠા અને જનસેવાના ઉચ્ચ આદર્શોનું પ્રેરણાદાયી પ્રતિક છે. તેમણે કાર્યકર્તાઓને ડો. મુખર્જીના જીવનમૂલ્યોને આત્મસાત કરીને સંગઠન અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં વધુ સક્રિય બનવા આહ્વાન કર્યું હતું.
આ સંમેલનમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખો જનકસિંહ જાડેજા, પારૂલબેન કારા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ગાંધીધામ મેયર દિવ્યાબેન નાથાણી સહિત જીલ્લા ભાજપના હોદેદારો, વિવિધ મંડલોના હોદેદારો તેમજ મોરચા અને સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે મુન્દ્રા શહેર ભાજપ અધ્યક્ષ અરવિંદભાઈ પટેલ તેમજ મુન્દ્રા તાલુકા ભાજપ અધ્યક્ષ શક્તિસિંહ જાડેજાની રાહબરી હેઠળ બંને મંડલોની ટીમે જહેમત ઉઠાવી હતી.
આજના કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવનાર મોમાયાભાઈ ગઢવીએ સાથોસાથ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું જ્યારે આભારવિધિ મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલે કરી હતી. આ સંમેલન કાર્યક્રમના સહ ઈન્ચાર્જ તરીકે વસંતભાઈ કોડરાણી, બાલકૃષ્ણભાઈ મોતા અને ધીરેનભાઈ લાલને જવાબદારી નિભાવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને જીલ્લા ભાજપ મીડિયા વિભાગના રાહુલભાઈ જાનીની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.