રતડિયા પાસે તેલચોરી કૌભાંડનો પર્દાફાશ

મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકેલી એસ.એમ.સી.ની ટીમે એક ખૂબ જ મોટો ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય તેલ ચોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને લાખો લિટર ચોરીના ઓઇલ સાથે રૂા. 4,34,52,635થી વધુનો મુદ્દામાલ કબજે કરવા સાથે 11 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર એવા પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, એસએમસીના પોલીસ  ઇન્સ્પેક્ટર એસ. એમ. જાડેજા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુંદરા તાલુકાના રતાડિયા સીમના ખેતી વિષયક ખુલ્લા મેદાનમાં મોડી રાત્રે રેડ પડાઈ હતી.મોખા ટોલ પ્લાઝાથી મુંદરા તરફ જતા હાઇવે પર શિવમ હોટેલની બાજુમાં જ્યાં 66 કેવી પત્રી-મુંદરા લાઇન પસાર થાય છે, ત્યાં ખુલ્લા ખેતરમાં કન્ટેનર મારફતે આ આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરોડા સમયે કંડલા અને મુંદરા વચ્ચે ચાલતા મોટા ઓઇલ ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કિંમતી તેલ ચોરી કરીને બેરલ અને કાર્બોયમાં ભરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. એસએમસીની ટીમે ઘટનાસ્થળેથી 11 જેટલા આરોપીને ઝડપી લીધા હતા, જેમાં કન્ટેનરમાં રહીને મજૂરી કરતા ઉત્તર પ્રદેશ, ઝારખંડ, અને રાજસ્થાનના શ્રમિકો તેમજ તેલની હેરાફેરી કરતા ટેન્કરોના ડ્રાઈવર અને ક્લીનર સામેલ છે. જેમને આગળની તપાસ માટે પ્રાગપર પોલીસને સોંપવામાં આવ્યા છે.  જો કે, આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા મુદ્દામાલમાં રૂા. 1,50,00,000ની કિંમતના છ મોટા ટેન્કર, જેમાં 2,05,170 કિલો ઓઈલ ભરેલું હતું, જેની કિં. રૂા. 2,81,50,245, 1,465 કિલો ચોરી કરાયેલું તેલ, જેની કિં. રૂા. 1,78,090, 60,000ની કિંમતના 10 મોબાઈલ તથા 35,000ની કિંમતની એક બાઈક જપ્ત કરાયા હતા.  તે ઉપરાંત 50 પ્લાસ્ટિક બેરલ, મેટલ બેરલ, 72 જેટલા કાર્બોય, ઇલેક્ટ્રિક મોટર, વજન માપવાનું મશીન અને ઓઇલ લિકેજ સ્ટોપર્સ સહિત કુલ રૂા. 4,34,52,635થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ગંભીર કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.