જીઈબીની બેદરકારીનો ભોગ: ડુમરામાં તૂટેલા તારથી એક ગરીબની ભેંસ છીનવાઈ ગઈ

અબડાસા ના ડુમરા ગામની શાંત સવાર એક જ ઝાટકે રડારોળમાં ફેરવાઈ ગઈ. ગ્રામ પંચાયતની બાજુમાં ઉભેલા જીઈબીના જૂના થાંભલાનો તાર અચાનક તૂટીને નીચે પડ્યો. અને એ તારના સ્પર્શે એક નિર્દોષ ભેંસે જીવ ગુમાવ્યો.

એ ભેંસ કોઈની મિલકત નહોતી, એ એક ગરીબ પરિવારની રોજી હતી. સવાર-સાંજ દૂધ વેચીને બે ટંકનું ખાવાનું આવતું. બાળકોના પગરખાં, ઘરનું ભાડું, દવાનો ખર્ચો… બધું એ ભેંસના આધારે ચાલતું હતું. આજે એક તૂટેલા તારે એ બધું ખતમ કરી નાખ્યું.

ઘટના બાદ ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. લોકો કહે છે “વીજ કંપનીને કેટલી વાર કહ્યું કે થાંભલા જૂના છે, તાર ઢીલા છે. પણ કોઈ સાંભળતું જ નથી. આજે પશુ ગયું, કાલે કોઈ માણસ જશે તો?”

પીડિત પશુપાલકની આંખમાં પાણી છે અને હાથમાં ખાલી દોરડું. લાખોનું નુકસાન તો એક બાજુ, પણ જે ભરોસાથી એ પરિવાર જીવતો હતો એ આજે તૂટી ગયો છે.

સામાજિક કાર્યકર સુરેશભાઈ ચંદે ઘટનાસ્થળે પહોંચીને તંત્રને પડકાર આપ્યો. “બેદરકારી બંધ કરો. આ ગરીબને તાત્કાલિક વળતર આપો. નહીંતર ગામ આંદોલન કરશે.”

હવે સવાલ એક જ છે – જવાબદાર કોણ? એક તૂટેલા તારથી ઉજડેલા ઘરની ભરપાઈ કોણ કરશે?