બહેનના મૈત્રીકરારનાં મનદુ:ખ બદલ ભાઇએ મખણા પાસે ગાડી ચડાવી ઇજાઓ પહોંચાડી

તા. 5 : ત્રણ દિવસ પહેલાં પાયરકા અને મખણા ગામની વચ્ચે કબીરવાડી પાસે ફરિયાદી બહેન અને મૈત્રી કરારવાળા સાહેદ તથા દીકરાનાં બાઇક ઉપર ભાઇએ જ મારી નાખવાના ઇરાદે ગાડી ચડાવી અસ્થિભંગ અને ટાંકા જેવી ઇજાઓ પહોંચાડી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે હાલે સુખપર રહેતા મૂળ ભડલીના ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર સાહેદ ધનજી કાનજી મારવાડા સાથે મૈત્રીકરાર કર્યા હોવાથી આ બાબત તેના ભાઇ દિનેશ રામજી સીજુ (સુખપર)ને ગમતી ન હોવાથી તેનું મનદુ:ખ રાખી ફરિયાદી તથા સાહેદ ધનજી અને દીકરો દીક્ષિત ત્રણે બાઇકથી ગત તા. 2-7ના સુખપરથી ભડલી જતા હતા ત્યારે આરોપી ભાઇએ ર્સ્કોપિયો ગાડીથી આવી બાઇકને પાછળથી ટક્કર મારતાં ત્રણે નીચે પડી ગયા હતા. આ બાદ ફરીથી બીજીવાર ગાડી બાઇક પર ચડાવી દીધી હતી. ફરિયાદીને પગમાં ફ્રેક્ચર તથા સાત ટાંકાની ઇજા પહોંચી હતી અને ધનજી તથા દીકરાને ઇજાઓ પહોંચ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.