ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની 125 મી જન્મ જયંતીએ જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું બલિદાન આપનાર પ્રખર વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની 125 મી જન્મ જયંતી પ્રસંગે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં જુના ભાજપ કાર્યાલય પાસે આવેલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા પાસે જિલ્લા તથા શહેર ભાજપના આગેવાનો, નગરસેવકો તેમજ પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શ્યામાપ્રસાદ અમર રહો અને ભારત માતા કી જય ના નારા સાથે ઉપસ્થિત સૌએ તેમના કાર્યોને યાદ કરીને ખરા અર્થમાં સ્મરણાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત ત્યાર બાદ જિલ્લા ભાજપ કાર્યાલય, કચ્છ કમલમ ખાતે પણ હંમેશાની પરંપરા માફક ડોકટર શ્યામાપ્રસાદજીની છબી પર હારારોપણ કરવામાં આવ્યું હતું.
ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે તેમનું સમગ્ર જીવન સાહસ અને મા ભારતી પ્રત્યેના અતૂટ સમર્પણનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમના વ્યક્તિત્વમાં વિદ્વતા, જનસેવા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનો અદભુત સંગમ હતો. તેમણે છેડેલી એક દેશ, એક પ્રધાન, એક બંધારણની લડત આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ડો. મુખર્જીનો ઉદેશ્ય દેશને એક રાખવાનો હતો. વિભાજનના ગાળામાં તેમણે પશ્ચિમ બંગાળને ભારતનો અભિન્ન અંગ બનાવી રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્યામાપ્રસાદજી જેવા નીડર નેતૃત્વ થકી જે તે વખતે ભારતીય જનસંઘ અને હવે ભારતીય જનતા પાર્ટીને એક અદ્ભુત અને ઉજળી પરંપરાનો વારસો મળ્યો છે.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ડો. મુખર્જી સંવાદ અને વિચાર વિમર્શની ભારતીય પરંપરાના પ્રબળ સમર્થક હતા અને ફક્ત તેંત્રીસ વર્ષની ઉંમરે કલકતા યુનિવર્સિટીના કુલપતિ બનીને તેમણે આગવો ઈતિહાસ કંડાર્યો હતો.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેષભાઇ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, કેડીસીસી બેન્ક ચેરમેન દેવરાજભાઇ ગઢવી, જિલ્લા ભાજપ હોદેદારો પ્રફુલસિંહ જાડેજા, અશોકભાઈ હાથી, આશિકાબેન ભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, અનુ. જાતિ મોરચા પ્રમુખ રવિભાઈ ગરવા, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠકકર, ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી સહિત જિલ્લા અને ભુજ શહેર ભાજપના હોદેદારો, આગેવાનો, વિવિધ મોરચાના અગ્રણીઓ, નગરસેવકો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઈન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.