બ્રહ્મોસ ડીલ પર મહોરની શક્યતા, PM મોદીની ઇન્ડોનેશિયા મુલાકાત રહેશે મહત્વપૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જુલાઈથી ઇન્ડોનેશિયાના ત્રણ દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સિસ્ટમની તબક્કાવાર ખરીદી અંગે વાતચીત થવાની સંભાવના છે. બંને દેશોના વ્યૂહાત્મક સંબંધોની દ્રષ્ટિએ આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેની ચર્ચા માર્ચ મહિનામાં નક્કી થયેલા પ્રારંભિક સિંગલ-સિસ્ટમ કરારથી આગળ વધશે. આ વખતે વાતચીતમાં કોસ્ટલ અને મોબાઈલ લોન્ચર, રડાર, ટ્રેનિંગ, મેન્ટેનન્સ અને વ્યાપક સપોર્ટ પેકેજનો સમાવેશ થાય તેવી શક્યતા છે. એટલે કે, ઇન્ડોનેશિયાને માત્ર મિસાઈલ જ નહીં, પરંતુ તેની સુરક્ષા અને જાળવણીની સંપૂર્ણ સિસ્ટમ સોંપવામાં આવશે.

ભારતની બ્રહ્મોસ મિસાઈલની નિકાસ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેની સંરક્ષણ કૂટનીતિનો એક મહત્વપૂર્ણ સ્તંભ બનીને ઉભરી રહી છે. ભારત અગાઉથી જ ફિલિપાઇન્સને મિસાઈલની ડિલિવરી શરૂ કરી ચૂક્યું છે. આ સાથે વિયેતનામ અને ઇન્ડોનેશિયા સાથે પણ ભારતની વાતચીત ઘણી આગળ વધી ગઈ છે. ભારતે વર્ષ 2022માં ફિલિપાઇન્સ સાથે કોસ્ટ-બેઝ્ડ બ્રહ્મોસ સિસ્ટમ માટે 375 મિલિયન ડોલરનો કરાર કર્યો હતો, જેની ડિલિવરી 2024માં શરૂ થઈ હતી. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની પ્રથમ નિકાસ હતી

ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ ‘બ્રહ્મોસ’, વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાંની એક છે. ફિલિપાઇન્સ પછી, જો ઇન્ડોનેશિયા પણ આનો ઓર્ડર આપે છે, તો આ મિસાઈલ સિસ્ટમની બીજી નિકાસ હશે. આ ડીલથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના આ બે મોટા ભાગીદાર દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ ગાઢ બનશે.