પદમપુરના શખ્સના બેન્ક ખાતામાંથી રાત વચ્ચે 6.33 લાખ ઊપડી ગયા

માંડવી તાલુકાના પદમપુરના શખ્સના બેન્કમાંથી રાત વચ્ચે અનેક ટ્રાઝેકશન સાથે કુલ રૂા. 6,33,986  ઓનલાઈન ઊપડી જતાં તેમણે હેલ્પલાઈન તેમજ ગઢશીશા પોલીસ તેમજ સરહદી રેન્જ ભુજના સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ અરજી કરી છે. પદમપુરમાં રહેતા શખ્સે પોલીસ સમક્ષ ફરિયાદ અરજી કરી છે, જેમાં કહેવાયું છે કે, ગુજરાત ગ્રામીણ બેન્કની ગામની શાખામાં તેનું બેન્ક ખાતું છે. આ ખાતામાં તેની ખેતીની તમામ બચત જમા રાખે છે. 26/6ના રાતે 12 વાગ્યા આસપાસ સૂઈ ગયા હતા અને સવારે ઊઠીને જોતાં અનેક ટ્રાન્ઝેકશન થયેલા હોવાનું સામે આવ્યું હતું. જેમાં કુલ મળીને રૂા. 6,33,986 કપાઈ ગયાના મેસેજ હતા. આમ રાત વચ્ચે રૂા. 6,33,986ની ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ અરજી આપી છે. ફરિયાદીએ હજુ સુધી ફરિયાદ દાખલ ન થતાં તેમજ બેન્કમાં પણ તપાસ કરતાં યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને બેન્ક સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.