વડાપ્રધાન મોદીનું ઈન્ડોનેશિયામાં સ્વાગત
copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેમના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કા અંતર્ગત ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની `એક્ટ ઈસ્ટ પોલિસી’, `મહાસાગર વિઝન’ અને મુક્ત, ખુલ્લા તેમજ સર્વસમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાનો છે. એક વિશેષ આદરભાવ રૂપે, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો પોતે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. અહીં પીએમ મોદીનું પરંપરાગત ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને `ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. જાકાર્તા પહોંચી ગયો છું. એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ હું રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના વિશેષ આદરભાવથી અત્યંત પ્રભાવિત થયો છું એમ વડાપ્રધાન મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ વર્ષ 2018માં બંને દેશો વચ્ચેના સંબંધોને ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’નો દરજ્જો આપવામાં આવ્યા બાદ, પીએમ મોદીની ઇન્ડોનેશિયાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયામાં 8 જુલાઈ સુધી રોકાશે. આ દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે તેમની વિગતવાર દ્વિપક્ષીય વાતચીત થશે. વડાપ્રધાન ત્યાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. ઇન્ડોનેશિયા પછી વડાપ્રધાન 8થી 10 જુલાઈ સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રહેશે. મેલબોર્નમાં તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરશે. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન ‘ભારત-ઓસ્ટ્રેલિયા સીઇઓ ફોરમ’ માં 5ણ ભાગ લેશે. પ્રવાસના અંતિમ તબક્કામાં વડાપ્રધાન 10 અને 11 જુલાઈએ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ પહોંચશે. આશરે ચાર દાયકા પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર ન્યૂઝીલેન્ડ મુલાકાત હશે.