માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ ગુજારનારાના જામીન રદ

આદિપુરમાં માનસિક રીતે અસ્વસ્થ ભોગ બનનાર યુવતીની લાચારીનો લાભ ઉઠાવી તેના જ ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનારા ગંભીર ગુનામાં પકડાયેલા 61 વર્ષીય શખ્સની નિયમિત જામની અરજી અહીંની કોર્ટે સખત શબ્દોમાં નામંજૂર કરી હતી. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ જઘન્ય અપરાધમાં આરોપીને રાહત આપવાનો ઈન્કાર કરી સમાજમાં કાયદાનો ધાક બેસાડતો મહત્ત્વપૂર્ણ આદેશ અપાયો હતો. આદિપુરમાં રહેતા મૂળ પાટણના બાબુ સોમા તુરી (બારોટ) સામે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ આરોપીએ માનસિક અસ્વસ્થ યુવતીને ઘરમાં એકલી જોઈ ત્યાં જઈ ફોનમાં અશ્લીલ ફોટા બતાવ્યા હતા, બાદમાં ભોગ બનનારની અસમર્થતાનો ગેરલાભ ઉઠાવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ સંદર્ભે ગત તા. 27/2/2026ના આરોપીની પોલીસે ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો. જેલમુક્ત થવા આરોપીએ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સામે સરકાર પક્ષે વિદ્વાન એપીપી હિતેષી પી. ગઢવી હાજર રહ્યા હતા. આરોપી સામેનો ગુનો અત્યંગ ગંભીર પ્રકારનો છે. ભોગ બનનાર યુવતી માનસિક સ્થિતિના કારણે પોતાનો બચાવ કરવા સક્ષમ ન હતી, તેની લાચારીનો ફાયદો લઈ આવું કૃત્ય કરાયું હતું વગેરે ધારદાર દલીલો કરાઈ હતી. દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ન્યાયાધીશ આર. જે. પટેલને આરોપીની જામીન અરજી સખત શબ્દોમાં નામંજૂર કરી હતી. કોર્ટનાં આવાં કડક વલણથી આવાં તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.