ફ્રોડના રૂા. 1.12 કરોડનો રેલો ભુજ સુધી

copy image

copy image

ડિજિટલ ઠગબાજો યેનકેન પ્રકારે લોકોને જાસામાં નાખી ઓનલાઇન નાણાં સેરવી લેવાના કિસ્સા દેશભરમાં બની રહ્યા છે, જ્યારે આવી ઓનલાઇન ઠગાઇના બનાવોને લઇને આવા મ્યુલ એકાઉન્ટની છાનબીન પોલીસ કરી રહી છે. અગાઉ કચ્છમાં અનેક મ્યુલ એકાઉન્ટ સામે આવતાં અનેક ફરિયાદો થઇ છે ત્યારે વધુ એક વખત દેશભરની 216 જેટલી ઓનલાઇન છેતરપિંડીના કુલ મળીને 1,11,76,795 ભુજની બેંકના ખાતાધારકના ખાતાંમાં આવતાં ફરિયાદ નોંધાઇ છે. પશ્ચિમ કચ્છ એલસીબી શાખાના સાયબર સેલે ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર સાયબર ક્રાઇમના ગુના અટકાવવા ગુજરાત સરકાર દ્વારા `મ્યુલ હન્ટ’ નામનું ઓપરેશન શરૂ કરેલ છે. ઓનલાઇન થતી છેતરપિંડીનું પગેરું દબાવવા સમન્વય પોર્ટલથી મ્યુલ એકાઉન્ટની છાનબીન દરમ્યાન કે.ડી.સી.સી. બેંક-ભુજના ખાતામાં  શંકાસ્પદ એકાઉન્ટ મળી આવતાં તેની તપાસ કરતાં ગત તા. 19/9/25થી હાલ સુધી ભારતના અલગ-અલગ રાજ્યમાં થયેલી કુલ 216 ઓનલાઇન છેતરપિંડીના કુલ રૂા. 1,11,76,795 ઉપરોક્ત ખાતાંમાં આવ્યા હતા. આમ, આ ખાતાધારક તથા તપાસમાં જે ખૂલે તેની વિરુદ્ધ બીએનએસની કલમ હેઠળ બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.