રિસાયેલા મેઘરાજા ભારત પર ફરી રીઝે તેવી આશા

ભારતના હવામાનમાં વર્તમાન સમયે મિશ્ર સ્થિતિ બનેલી છે. પૂર્વ અને ઉત્તર ભારતના અમુક ભાગને બાદ કરતાં દેશના મોટાભાગના વિસ્તારમાં કોરું ધાબડ વાતાવરણ છે. વરસાદની કમીનાં કારણે ખેડૂતો ચિંતત છે. ચોમાસાની રફતાર થંભી ગઈ છે. પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ઘણી સિસ્ટમ બની રહી છે, જે ચોમાસાને મજબૂતી આપી શકે છે તેવી આશા છે. ઘણા હવામાન મોડલ બતાવી રહ્યા છે કે પ્રશાંત મહાસાગરમાં બનતી અમુક સિસ્ટમ બંગાળની ખાડી સુધી પહોંચશે તો 18થી 25 જુલાઈ વચ્ચે ચોમાસામાં નવા શ્વાસ ફુંકાઈ શકે છે. જો કે હજી 7-8 દિવસ બાકી હોવાના કારણે વૈજ્ઞાનિકો સતર્કતાથી નજર રાખી રહ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત સામાન્ય રહી હતી પણ મધ્ય અને ઉત્તર ભારતમાં અડચણ આવી હતી. પૂર્વ ભારતમાં વરસાદ થઈ રહ્યો છે, જ્યારે પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ભારત અછતનો સામનો કરી રહ્યા છે. જેનાથી ખેતીને અસર પડી શકે છે. આવી સ્થિતિમાં પ્રશાંત મહાસાગરમાં ઉભી થયેલ સંભાવના આશાનું કિરણ બની છે.