સમગ્ર શિક્ષા કચ્છનાં અધિકારીઓ દ્વારા શિક્ષણનું ખાનગીકરણ
કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે નમૂનારૂપ આદર્શ અને લોકહિતની કામગીરી સામે અવારનવાર બહાર આવતા કૌભાંડો અને બારાતુ અધિકારીઓ દ્વારા પોતાના અંગત લાભ માટે તંત્રની નબળી કડીઓનો ઉઠાવવામાં આવતો ગેરફાયદો કલંકરૂપ બાબતો સાબિત થઇ રહી છે. કચ્છ જીલ્લામાં ઉદભવેલી શિક્ષકોની ઘટ, કેજીબીવી કૌભાંડ અને એનેક્ષર કૌભાંડ માંથી બોધપાઠ લેવાને બદલે પેંધી ગયેલ કર્મચારીઓ પોતાના ઉપરી અધિકારીઓની સૂચનાઓને ધોળીને પી જતા હોય તેવા અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હાલમાં મહા અભિયાન હાથ ધરીને કચ્છનું એક પણ બાળક શાળા બહાર નાં રહી જાય અને સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવે તે માટે આદર્શ કામગીરી કરવામાં આવી અને કચ્છ માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓને પુનઃ શાળા પ્રવેશ કરાવી તેઓને ઉજ્જવળ ભવિષ્યની ભેટ આપવામાં આવી. પરંતુ બીજી તરફ મળેલ માહિતી મુજબ ભચાઉ તાલુકામાં બી.આર.સી. તરીકે ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા પોતાના અંગત હિત માટે ખાનગી શાળામાં રોકાણ કરીને પૈસા કમાવવાની મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે. મળેલ માહિતી મુજબ કચ્છનાં ભચાઉ તાલુકામાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા અતુલભાઈ પટેલ દ્વારા પોતાની પત્નીને સામખીયાળી ગામની એક ખાનગી વિદ્યાલયમાં ભાગીદાર તરીકે સામેલ કરવામાં આવેલ છે અને છેલ્લા ત્રણેક વર્ષથી આ ભાગીદારી દ્વારા મસમોટી આવક કમાઈ રહ્યા છે. સરકારી શિક્ષણની ગુણવત્તા જાળવણી અને છેવાડાનાં વિદ્યાર્થી સુધી શિક્ષણનાં પ્રચારની જવાબદારી જેઓનાં શિરે છે તેવા તાલુકાનાં જવાબદાર અધિકારી દ્વારા થયેલ આ શિક્ષણનાં વ્યાપારીકરણની ખબરે આસપાસનાં પંથકમાં સૌને ચોંકાવી દીધા છે. સ્થાનિક શિક્ષણ પ્રેમીઓ દ્વારા આ પ્રકારે ચાલતી ગેરરીતી સામે કડક પગલા ભરવામાં આવે અને સત્વરે સમગ્ર જિલ્લામાં સરકારી ફરજ સાથે જોડાયેલા બારાતુ અધિકારીઓ દ્વારા પોતાનાં હોદ્દાનો દુરુપયોગ કરીને કરવામાં આવતી આ પ્રકારેની પ્રવૃતિઓ અટકાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.