રામમંદિર ટ્રસ્ટ પાસે સપ્તાહમાં જવાબ માગ્યો; સાથે સીટનો અહેવાલ કોર્ટે માગ્યો

રામમંદિરમાં દાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે અને એક અઠવાડિયામાં આખા મામલાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં જણાવ્યું કે, અમે સમજી શકીએ છીએ કે હાલ તપાસ ચાલી રહી છે. આ સાથે જ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ‘જઈંઝ’નો સ્ટેટસ રિપોર્ટ પણ મગાવ્યો છે. હાલ સુરક્ષા અને ગુપ્તતાના કારણોસર આ રિપોર્ટની નકલ અરજીકર્તાઓને આપવામાં નહીં આવે અને તેને સીલબંધ પરબિડિયામાં જ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચ દ્વારા આ મામલે દાખલ થયેલી ચાર અરજી પર સુનાવણી શરૂ કરવામાં આવી છે, જેની આગામી સુનાવણી સોમવારે હાથ ધરાશે. રામમંદિરમાં દાન તરીકે આવેલાં દાનની ચોરીના આ ગંભીર મામલામાં હવે `હિન્દુ ધર્મ પરિષદ’ પણ સુપ્રીમ કોર્ટના શરણે ગઈ છે. સંસ્થાએ માંગ કરી છે કે, આ કથિત દાનચોરીની તપાસ સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ થવી જોઈએ, જેથી કરીને આખી પ્રક્રિયા પારદર્શક રહે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ ચાર અરજી દાખલ થયેલી છે, જેમાં વકીલ નરેન્દ્ર કુમાર ગોસ્વામી, અજય કુમાર રાય અને આરજેડી સાંસદ સુધાકર સિંહની અરજીઓ સામેલ છે. આમાંથી બે અરજીમાં સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક અરજીમાં પુરાવાઓ સુરક્ષિત રાખવા અને મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની અપીલ કરાઈ છે. આથી, આવા દાન અને દાનનું સંચાલન કરતા લોકો માત્ર વહીવટકર્તા છે અને તેઓ સંપૂર્ણ પારદર્શકતા તથા જવાબદારી જાળવવા માટે બંધાયેલા છે. અરજીમાં રામમંદિરનાં દાન સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો, સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ લોકને તાત્કાલિક અસરથી સુરક્ષિત કરવા માટે આદેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીકર્તાઓએ કોર્ટને વિનંતી કરી છે કે, મામલાની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટ દેશના તમામ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતાં મોટાં મંદિરો માટે એક ખાસ બંધારણીય વ્યવસ્થા અને સુરક્ષા ઉપાયો નક્કી કરે. જનતા તરફથી મળતા કરોડો રૂપિયાનાં દાન અને કિંમતી વસ્તુઓનો વહીવટ સંપૂર્ણપણે પારદર્શક રીતે થાય તે માટે સખત ગાઇડલાઇન બનાવવાનો આદેશ આપવામાં આવે.