હોર્મુઝને કમાણીનો માર્ગ બનાવવા માગે છે ટ્રમ્પ !

copy image

copy image

અમેરિકા અને ઈરાનનું યુદ્ધ હવે ખતરનાક વળાંકે આવી ગયું છે. ઈરાને અમેરિકાનાં 140 ઠેકાણાઓને નિશાન બનાવ્યા બાદ અમેરિકાએ વહેલી સવારે ઈરાન ઉપર હુમલાની નવી લહેર શરૂ કરી દીધી હતી.મળતી માહિતી મુજબ સામા છેડે ઈરાને પણ બહેરીન, કુવૈત, ઓમાન અને જોર્ડનમાં અમેરિકાનાં સૈન્ય મથકોનો કચ્ચરઘાણ કાઢી નાખતાં હુમલા કર્યા હતાં. આ સામસામા હુમલાઓ વચ્ચે દુનિયાને ચોંકાવી નાખતા નિવેદનમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી હોર્મુઝ જળમાર્ગનું નિયંત્રણ આંચકી લેવાનો હુંકાર કર્યો હતો. આટલું જ નહીં, આ માર્ગને દેખરેખ રાખીને અમેરિકા અઢળક કમાણી કરશે તેવી લાલચ પણ આપી હતી. અમેરિકાએ ઈરાનમાં કમસેકમ 8 શહેરોમાં હુમલા કર્યા હતાં. આ હુમલા રાતે 2 વાગ્યાનાં સુમારે શરૂ થયા હતાં. આમાં બંદર અબ્બાસ, સિરીક, જાસ્ક અને કેશ્મ આઈલેન્ડ ઉપર પણ અમેરિકી હુમલાનાં ધડાકાઓથી હાહાકાર મચી ગયો હતો. તો જવાબમાં ઈરાને જોર્ડન, બહેરીન, કુવૈતમાં સ્થિત અમેરિકી ઠેકાણાઓ ઉપર શ્રેણીબદ્ધ મિસાઈલો દાગી દીધી હતી. કુલ મળીને જોવા જઈએ તો ઈરાન અને અમેરિકા બન્ને હવે હોર્મુઝ ઉપર કબ્જો જમાવીને અઢળક કમાણીનો રસ્તો ખોલવા માગતાં હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. પરાકાષ્ઠાએ પહોંચેલો આ સૈન્ય ટકરાવ હવે વૈશ્વિક અર્થતંત્ર માટે મહાસંકટ બનવાની આરે આવીને ઉભો રહી ગયો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા હવે હોર્મુઝને પોતાનાં કબ્જામાં લઈ રહ્યું છે. તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે, હોર્મુઝનો માર્ગ હવે અમેરિકા પોતાનાં હાથમાં રાખવા માગે છે અને તેનાં રખેવાળ બની રહેશે. અત્યાર સુધી અમેરિકા આ માર્ગની સુરક્ષા મફતમાં કરતું આવ્યું છે પણ હવે આવું નહીં રહે. દુનિયાનાં દેશોએ આ માર્ગની સુરક્ષાનાં બદલામાં અમેરિકાને મોટું નાણું ચૂકવવું પડશે.