ભુટકિયામાં તસ્કરોનો ત્રાસ : બે મકાનમાંથી 85 હજારની ચોરી
રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરનારી ટોળકીઓ સક્રિય થઈ હોય તેમ ભુટકિયા ગામની સીમમાં નિશાચરોએ બે મકાનને નિશાન બનાવ્યાં હતાં. મળતી માહિતી મુજબ કપાસના પાકને વેચીને તિજોરીમાં ભેગી કરેલી શ્રમિકની પરસેવાની કમાણી સહિત પાડોશીના ઘરમાંથી કુલ રોકડ રૂા. 85,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ દફતરે નોંધાયેલી વિગતો અનુસાર મૂળ ફૂલપરાના વતની અને છેલ્લાં 11 વર્ષથી ભુટકિયા ગામની સીમમાં રહેતા જામુભા વાઘેલાની વાડીમાં ભાગથી વાવેતર કરતા જેમલ માવજી કોળી પોતાના પરિવાર સાથે પતરાવાળી ઓરડીમાં સૂતા હતા, ત્યારે તા. 10-7 અને 11-7ની રાત્રિ દરમ્યાન આ બનાવ બન્યો હતો. ગત સિઝનમાં કપાસનો પાક વેચતા તેમના ભાગે રૂા. 70,000 આવ્યા હતા. જે ઓરડીમાં રાખેલી લોખંડની પેટીમાં રાખવામાં આવ્યા હતા. દરમ્યાન રાત્રે ખાબકેલા નિશાચરો ઓરડીમાં પ્રવેશ કરી આખેઆખી પેટી ઉપાડી ગયા હતા અને દૂર જઈને પેટીમાં રહેલો સામાન વેરવિખેર કરી ડબ્બામાં રહેલા રોકડા રૂપિયા કાઢી લીધા હતા. આ નિશાચરોનો આતંક માત્ર એક ઘર પૂરતો સીમિત રહ્યો ન હતો. પાડોશમાં રહેતા પ્રાગજી ધરમશી માલી અને તેમના પત્ની રાત્રે સૂતા હતા ત્યારે ઘરમાં ઘૂસેલા તસ્કરોએ કબાટમાંથી રોકડ રૂા. 15,000ની ચોરી કરી બિન્ધાસ્ત નાસી ગયા હતા. એક જ રાત્રે બે મકાનમાંથી રોકડ રૂા. 85,000ની ચોરીના આ બનાવને પગલે સીમ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ સાથે ચિંતાની લાગણી પ્રસરી હતી.