પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

આજરોજ કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી તથા ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે તેમજ પાયાની જરૂરિયાતોને લગતા વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ ૧૫% વિવેકાધીન જોગવાઈ (તાલુકા કક્ષા અને નગરપાલિકા ગ્રાન્ટ) અંતર્ગત જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા કુલ રૂ. ૨૩૦૨.૦૦ લાખની રકમના કુલ ૮૨૨ કામોની દરખાસ્તો પ્રભારીમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મંડળ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તોમાં કચ્છના ૯ તાલુકાઓ માટે ફાળવેલા રૂ. ૧૯૫૦.૦૦ લાખની જોગવાઈ સામે રૂ. ૧૯૫૨.૦૦ લાખ (સામાન્ય/અનુસૂચિત જાતિ)ના કુલ ૭૮૬ વિકાસ કામોનો સમાવેશ થાય છે. તદુપરાંત, જિલ્લાની ૭ નગરપાલિકાઓ માટે રૂ. ૩૫૦.૦૦ લાખની જોગવાઈ સામે રૂ. ૩૫૦.૦૦ લાખના કુલ ૩૬ કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સરકારશ્રીની માર્ગદર્શિકા અને નિયમને આધીન આજની આ જિલ્લા આયોજન મંડળ કચ્છની બેઠકમાં રજૂ થયેલા તમામ રૂ. ૨૩૦૨.૦૦ લાખના કુલ ૮૨૨ વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. જેના થકી આગામી દિવસોમાં કચ્છ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે.
પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ વિવિધ નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, નાગરિકોને વિકાસકાર્યોનો લાભ ઝડપથી મળે એ જ વહીવટીતંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. પ્રભારીમંત્રીશ્રીએ ગુણવત્તાયુક્ત કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. રોડ રસ્તાઓ, શાળાના ઓરડાઓ અને ગામડાઓમાં બહુહેતુક શેડ સહિતના મંજૂર કરાયેલા કામો અંગે વિસ્તૃત જાણકારી મેળવીને પ્રભારી મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટમાંથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં લોકોની ન્યૂનતમ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. આ અનુદાન હેઠળ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના એપ્રોચ રોડ, નગરપાલિકા હસ્તકના રસ્તાઓ, પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓ તેમજ કમ્પાઉન્ડ વોલનું નિર્માણ, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શેડ બનાવવા, શૌચાલય બ્લોક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને લગતા કામો, પીવાના પાણીની સુવિધા માટે બોર અને પાઇપલાઇનના કામો, ગ્રામ્ય વીજળીકરણના કામો, આંગણવાડીના કામો તેમજ ગટર વ્યવસ્થાના સુદ્રઢીકરણ સહિતના અન્ય સ્થાનિક વિકાસના અગત્યના કામોને મંજૂરી આપવામાં આવે છે. જેથી છેવાડાના માનવી સુધી વિકાસની સવલતો ઉપલબ્ધ કરાવી શકાય.
આયોજન મંડળની બેઠકનું આયોજન જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેને અધ્યક્ષસ્થાને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મંજુલાબેન ચાવડા, કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિ. કમિશનરશ્રી બી.ડી.ડવેરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયા સહિત તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.