વરસાણા નજીક કારમાંથી 4.17 લાખનો દારૂ જપ્ત

અંજારના વરસાણા નજીક બ્રિજ પાસેથી એલ.સી.બી.એ એક કારમાંથી રૂા. 4,17,900નો શરાબ ઝડપી પાડયો હતો. પરંતુ બે આરોપી પોલીસના હાથમાંથી સરકી ગયા હતા.સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર ભચાઉ બાજુથી આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી. બી.એ વરસાણા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આરોપીઓને પકડી પાડવા પોલીસે એડીચોટીનો જોર લગાવ્યો હતો અને આડસ ઊભી કરી ટોર્ચના અજવાળે કારને  રોકાવવાની કોશિષ કરી હતી પરંતુ આરોપીઓ એટલા તેજ હતા કે ત્યાં ગાડી ઊભી રાખી ચાવી કાઢયા વગર બે શખ્સો પોતાનો મોબાઇલ ભુલીને અંધારામાં ઓઝલ થઇ ગયા હતા. ધમધમાટના આ માર્ગ પરથી પોલીસના હાથમાંથી આરોપી સરકી અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. દરમ્યાન આ કારમાંથી પોલીસે ગ્રીન લેબલ એક્સપોર્ટ 750 મી.લી.ની 252 બોટલ, 8પીએમના 1536 કવાર્ટરીયા, ગ્રીન લેબલના 432 કવાર્ટરીયા એમ કુલ્લ રૂા. 4,17,900નો શરાબ જપ્ત કર્યો હતો. તેમજ એક મોબાઇલ, કાર પણ હસ્તગત કરાઇ હતી. વારંવાર દારૂ પકડાય છે પણ આરોપીઓ અંધારાનો લાભ લઇ ઓઝલ થઇ જતા ભારે ચકચાર પ્રસરી છે.