કચ્છ જિલ્લાના પશુપાલકોના હિત માટે રાજ્ય સરકારનો “ખાસ કિસ્સામાં” મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ‘ખાસ કિસ્સામાં’ સહાનુભૂતિપૂર્વક કચ્છ જિલ્લાના પશુપાલકો માટે રાહતદરે ઘાસ વિતરણનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કચ્છ જિલ્લાના પશુપાલકો માટે રાજ્ય સરકારનો આ નિર્ણય ખૂબ જ આર્શીવાદરૂપ સાબિત થશે. આ નિર્ણય મુજબ એક ઘાસકાર્ડ ઉપર પશુદીઠ દૈનિક ચાર કિલોગ્રામ સુકો ઘાસચારો પાંચ પશુઓની મર્યાદામાં રૂ.૨ પ્રતિ કિલોગ્રામ ઘાસના રાહતદરે પશુપાલકોને વિતરણ કરવામાં આવશે. કચ્છના તમામ તાલુકાના નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, જમીન વિહોણા પશુપાલકો અને માલધારીઓને ઘાસનું રાહતદરે વિતરણ આગામી સમયમાં કરવામાં આવશે જે પશુ નિભાવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન નોંધપાત્ર વરસાદ થયો ન હોય તેને ધ્યાને લઈને પશુપાલકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી રાજ્ય સરકારે રાહતદરે ઘાસ વિતરણનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ કચ્છ જિલ્લામાં રાહતદરે ઘાસ વિતરણના રાજ્ય સરકારના નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લા વહીવટીતંત્રની દરખાસ્તના આધારે પશુપાલકોને રાહતદરે ઘાસ વિતરણને મંજૂરી આપી છે. કચ્છ જિલ્લામાં ૨૮ લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે જે હાલ વન વિભાગના વિવિધ ગોડાઉન ખાતે રાખવામાં આવ્યું છે. આ ઘાસ સરળતાથી રાહતદરે પશુપાલકોને ઉપલબ્ધ થાય તે માટે સુવ્યવસ્થિત આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
કચ્છના પશુપાલકોને સહકાર આપવા અનુરોધ કરીને કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલકો ઘાસની માગણી મુજબની અરજી જરૂરી આધારપુરાવા સાથે ગામના તલાટીને કરી શકશે. આ અરજીના આધારે મામલતદારશ્રી દ્વારા પશુપાલકોને ઘાસકાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. આ ઘાસકાર્ડ પ્રાપ્ત થયા બાદ પશુપાલકો નજીકના ગોડાઉન ખાતે પશુઓ માટેનું ઘાસ રાહતદરે મેળવી શકશે.
કચ્છ કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહાનુભૂતિપૂર્વક કચ્છ જિલ્લાના પશુપાલકોના હિતમાં આ નિર્ણય કર્યો છે. સ્થાનિક જનપ્રતિનિધિશ્રીઓ, આગેવાનો, પશુપાલક મંડળો દ્વારા કચ્છ જિલ્લા વહીવટીતંત્રને કરવામાં આવેલી રજૂઆતના આધારે જે દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી તેને ગુજરાત સરકારે મંજૂરી આપી છે.
૦૦૦૦