મેધપરમાં આશરો આપનારના મકાનમાંથી 2.8 લાખની ચોરી
અંજાર તાલુકાના મેઘપર માં આશરો આપનારના આરોપી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 2.8 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાનો મામલો ફરિયાદ સ્વરૂપે પોલીસ દફતરે નોંધાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી શિવધારા સોસાયટી મકાન નં. 254માં ગત તા. 30/7થી તા. 15/8ના અરસામાં ચોરીનો આ બનાવ બન્યો હતો. ફરિયાદી યોગેશ દિલીપભાઈ વેલાણી એ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપીએ ફરિયાદીના મકાનમાં બેડરૂમમાંથી બે સોનાની વીંટી 10 ગ્રામ કિં. રૂા. 40 હજાર, ચેન 10.75 ગ્રામ કિં. રૂા. 40,400 તથા ફરિયાદીના નાના ભાઈના પત્નીનું મંગળસૂત્ર 50.54 ગ્રામ કિં. રૂા. 2,02,000 સાથે કુલ રૂા. 2,82,400ની માલમતાની ચોરી કરી હતી. પોલીસે ઉમેર્યું હતું કે, ફરિયાદીએ પોતાની કંપનીમાં આરોપી મિતુલને નોકરીએ રખાવ્યો હતો, જ્યાં સુધી રહેવાની અન્ય કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ફરિયાદીએ આરોપીને પોતાના ઘરમાં રહેવા વ્યવસ્થા કરી આપી હતી. દરમ્યાન આર્થિક રીતે ભાંગી પડેલા આરોપીએ ચોરીના કૃત્યને અંજામ આપ્યુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.