ગાંધીધામ ઉદ્યોગપતિ પાસે  79 લાખ લેવાયા

ગાંધીધામ અહીંના શિપિંગ અને ટિમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી ઉદ્યોગપતિ સાથે તેમના જ ગામના બે વતનીએ વિશ્વાસ કેળવ્યા બાદ ધાકધમકી  કરી અલગ-અલગ સમયે 79 લાખ જેટલી માતબર રકમની ખંડણી પડાવી લેવાયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સૂત્રો પરથી મળતી માહિતી પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  આ મામલે કંડલા ટિમ્બર એસોસીએશનના ઉપપ્રમુખ  તરીકે ફરજ બજાવતા  હેમચંદ્ર યાદવે ઇસમોઓ ઓમપ્રકાશ  માલિક મોર્યા અને રોશન નવીનચંદ્ર મિશ્રા સામે ખંડણી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી  ઓમપ્રકાશ અને ફરિયાદી એક જ ગામના હતા. ફરિયાદીએ વર્ષો અગાઉ આરોપીના પિતા પાસેથી જમીન ખરીદી હતી.  ત્યાર  બાદ  ઓમપ્રકાશ અને ફરિયાદી વચ્ચે અવારનવાર ફોન ઉપર વાતચીત થતી હતી અને અગાઉ એક વખત  પિતાની સારવાર માટે 50 હજાર માગ્યા હતા. ત્યાર બે-ત્રણ વર્ષે આરોપી અવારનવાર ગાંધીધામ આવતો હતો. વર્ષ-2023માં બીજા આરોપી રોશન મિશ્રાએ ફરિયાદીને ફોન કર્યો હતો.  આરોપીઓએ તેમના પિતા પાસેથી મેળવેલી જમીન મામલે વાંધા ઉપાડયા હતા અને તે મામલે ડરાવવાનું શરૂ કર્યું હતું.  વર્ષ-2023માં આરોપીઓએ ઘરે આવીને આ મુદ્દે આઠ લાખની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે યુ.પી.માં ઘણી માથાકૂટ કરી છે. પોલીસ કેસ પણ થયા છે, સમાધાન કરવું પડશે તેમ કહીને પૈસા માગ્યા હતા, જેથી ફરિયાદીએ રૂા. પાંચ લાખ આપ્યા હતા.  ત્યાર બાદ બંને જણે તે પૈસા આપવાનું ચાલુ કર્યું છે, હવે આપતા રહેજો તેવું કહી  કટકે-કટકે 42 લાખ પડાવી લીધા હતા. ગત તા. 5ના બંને આરોપી ટોયોટા ગાડીમાં આવ્યા હતા અને સોસાયટીના ગેટ પાસે બબાલ કરી હતી. જો કે, સુરક્ષા કર્મીઓએ  અંદર આવવા દીધા ન હતા.  પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.