અમેરિકા-ઈરાન યુદ્ધમાં હવે પાણી નિશાને

 વધુ ભયાનક બનેલાં યુદ્ધે દુનિયા આખીના શ્વાસ અદ્ધર કરી નાખ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધમાં હવે પાણી પર પણ નિશાન સધાઈ રહ્યું છે. સતત સાતમા દિવસે અમેરિકી વાયુદળે ઈરાનની સરહદમાં ઘૂસીને પ્રચંડ હુમલા શરૂ કર્યા હતા. તો ઈરાને બુશહર પરથી ઊડતાં અમેરિકાના 3.4 કરોડ ડોલરના અત્યાધુનિક રીપર ડ્રોનને તોડી પાડયું હતું. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ અમેરિકાએ હોર્મોજગાન પ્રાંતમાં હવાઈ હુમલા કરીને બોંજી વોટર પ્લાન્ટને તબાહ કરી નાખતાં 20 ગામોના 10 હજારથી વધુ લોકો પાણી વગર તરસવા લાગ્યા હતા. વળતા જવાબરૂપે ઈરાને કુવૈતમાં પીવાનાં પાણીના પ્લાન્ટને નિશાન બનાવતાં હુમલો કર્યો હતો. કુવૈતમાં પીવાનું લગભગ 90 ટકા પાણી આવા પ્લાન્ટની મદદથી બને છે. દરમ્યાન, ઈરાને અમેરિકા સાથે એક મહિના પહેલાં થયેલી સમજૂતીથી પાછળ હટવાનું એલાન કર્યું હતું. ઈરાની નાયબ વિદેશમંત્રી કાજેમ ગરિબાબાદીએ કહ્યું હતું કે, અમેરિકાએ જ ખુદ સમજૂતીનો ભંગ કર્યો છે.  અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ હવે અત્યંત ભયાનક અને વિનાશક સ્તરે પહોંચી ગયો છે. સમુદ્ર, આકાશ અને જમીન પર બંને દેશો સામસામે આવી ગયા છે. ઈરાને અમેરિકાનું કરોડો ડોલરનું ડ્રોન તોડી પાડવા ઉપરાંત જોર્ડન અને કુવૈતમાં આવેલા યુએસ સૈન્ય મથકો પર મિસાઈલમારો કર્યો હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, અમેરિકાએ વળતો પ્રહાર કરી ઈરાન પર ભીષણ એરસ્ટ્રાઈક શરૂ કરી દીધી છે. ઈરાની મીડિયા અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના અહેવાલો અનુસાર, ઈરાની સેનાએ બુશેહર પર ઊડી રહેલા અમેરિકાનાં અત્યાધુનિક ખચ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું છે. આશરે 3.4 કરોડ ડોલરની કિંમતનું આ ડ્રોન થોડી જ મિનિટોમાં હવામાં નાશ પામ્યું હોવાનો દાવો કર્યો છે. વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ હાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. નૌકાદળની ચેતવણીને અવગણીને આગળ વધેલા બે ઓઈલ ટેન્કરો ખાણ ક્ષેત્રમાં પ્રવેશતાં જ ભયાનક વિસ્ફોટો સાથે સળગી ઊઠ્યા હતા.