જલય, પૂજન અને નિલયે અપસેટ સર્જી ક્વાર્ટર ફાઇનલમાં, મોખરાના ક્રમાંકિતોની હાર

05

 અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે કેટલાક મેજર અપસેટ સર્જાયા હતા અને તેમાં મોખરાના કેટલાક ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. આ ટુર્નામેન્ટ 17થી 19મી જુલાઈ દરમિયાન યોજાઈ છે.
આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાઈ રહી છે જેના સ્પોન્સર દિનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) છે જ્યારે તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર સ્ટિગા છે. આ ટુર્નામેન્ટમાં 2.90 લાખ રૂપિયાના પુરસ્કાર એનાયત થશે અને વિજેતાઓને અન્ય ગિફ્ટ પણ વિતરીત કરાશે.
સૌથી મોટો અપસેટ ત્યારે જોવા મળ્યો જ્યારે ભાવનગરના 14મા ક્રમાંકિત પૂજન ચંદારાણાએ પાંચ ગેમની રોમાંચક સ્પર્ધામાં સુરતના ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ત્રીજા ક્રમાંકિત નૂતાંશુ દયામાને બહાર કરી દીધો હતો. પૂજને અંત સુધી મક્કમ રહીને 12-10, 11-9, 3-11, 15-13, 11-9થી જીત મેળવી અને અંતિમ આઠ (ક્વાર્ટર ફાઇનલ) માં પ્રવેશ કર્યો હતો.
બીજા અપસેટમાં વડોદરાના 16મા ક્રમાંકિત જલય મહેતાએ રાજકોટના ટોચના ક્રમાંકિત જયનિલ મહેતાને 3-1થી આશ્ચર્યજનક રીતે હરાવી દીધો હતો. પ્રથમ ગેમ હાર્યા બાદ, અનુભવી ખેલાડી જલયે શાનદાર વાપસી કરતા 4-11, 11-6, 11-9, 13-11થી જીત મેળવી ટુર્નામેન્ટના સૌથી મોટા વિજય પૈકીની એક સફળતા નોંધાવી હતી.
આ ઉપરાંત સુરતના અનસીડેડ ખેલાડી નિલય ઠક્કરે છઠ્ઠા ક્રમાંકિત અને પોતાના જ શહેરના દેવર્ષ વાઘેલાને સીધા સેટમાં હરાવી અંતિમ આઠમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી અને મેન્સ ઇવેન્ટમાં થયેલા અપસેટના સિલસિલાને પૂર્ણ કર્યો હતો.
આઠમા ક્રમાંકિત અમદાવાદના અભિલાષ રાવલે નવમા ક્રમાંકિત હેત ઠાકરને (રાજકોટ) 3-1થી હરાવી પ્રભાવિત કર્યા હતા, જ્યારે અન્ય ટોચના દાવેદારોમાં વડોદરાના બીજા ક્રમાંકિત પ્રથમ માદલાણી, અરાવલ્લીના ચોથા ક્રમાંકિત જન્મેજય પટેલ, અમદાવાદના પાંચમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્ય અને અમદાવાદના સાતમા ક્રમાંકિત ધૈર્ય પરમાર સરળતાથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.
અંડર-19 બોયઝ કેટેગરીમાં સ્થિતિ અલગ હતી, જ્યાં તમામ અગ્રણી દાવેદારો આગલા રાઉન્ડમાં પહોંચી ગયા હતા. અરાવલ્લીના  ટોપ ક્રમના જન્મેજયે ધ્રુવ ભાંબાણી (કચ્છ) ને સરળતાથી હરાવ્યો હતો, જ્યારે વડોદરાના બીજા ક્રમાંકિત વેદ પંચાલ, ત્રીજા ક્રમાંકિત હિમાંશ દહિયા (અમદાવાદ), ચોથા ક્રમના માલવ પંચાલ (અમદાવાદ), પાંચમા ક્રમના દ્વિજ ભાલોડિયા (અમદાવાદ), છઠ્ઠા ક્રમાંકિત પવન કુમાર (સુરત), સાતમા ક્રમના યુગ પરમાર (સુરત) અને આઠમા ક્રમના રિયાન શાહ (સુરત) એમ તમામે ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
મહિલા અને ગર્લ્સ ઇવેન્ટ્સમાં પ્રારંભિક રાઉન્ડ જારી રહ્યા હતા, જેમાં ટાઇટલના દાવેદારો ટૂંક સમયમાં સ્પર્ધામાં ઉતરશે તેવી અપેક્ષા છે.
પરિણામોઃ
મેન્સ પ્રિ કવા. ફાઇનલઃ જલય મહેતા જીત્યા વિરુદ્ધ જયનિલ મહેતા 3-1 (4-11, 11-6, 11-9, 13-11); અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ  હેત ઠક્કર 3-1 (12-10, 11-7, 10-12, 11-7); પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ નુતાંશુ દયામા 3-2 (12-10, 11-9, 3-11, 15-13, 11-9); નિલય ઠક્કર જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 3-0 (11-2, 11-7, 11-9); ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 3-2 (11-6, 6-11, 12-10, 11-13, 11-5); પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ મલય પંચાલ 3-0 (11-3, 11-4, 11-7); જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ રિયાન દત્તા 3-1 (11-7, 12-14, 11-7, 14-11); સોહમ ભટ્ટાચાર્ય જીત્યા વિરુદ્ધ સાહિબજોત સિંઘ જગ્ગી 3-0 (11-4, 11-3, 11-9).
જુનિયર બોયઝ અંડર-19 પ્રિ. ક્વાર્ટર ફાઇનલઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ ધ્રુવ ભાંબાણી 3-0 (11-7, 11-8, 11-3); રિયાન શાહ જીત્યા વિરુદ્ધ યજ્ઞેશ પરમાર 3-2 (5-11, 11-8, 6-11, 11-6, 13-11); દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ  આર્ય કટારિયા 3-0 (11-6, 11-8, 14-12); મલય પંચાલ જીત્યા વિરુદ્ધ સાગર મકવાણા 3-2 (7-11, 12-10, 9-11, 11-8, 11-6); હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ  વંદન કટારિયા 3-0 (11-9, 11-6, 11-9); યુગ પરમાર જીત્યા વિરુદ્ધ અંશ ખમાર 3-2 (11-7, 6-11, 11-7, 8-11, 11-6); વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ દિવ્ય ભાવસાર 3-0 (11-9, 12-10, 11-7); પવન કુમાર જીત્યા વિરુદ્ધ જય મુન્દાદા 3-0 (11-8, 11-4, 11-6).