પ્રેમલગ્નનાં 15 વર્ષે પતિ દ્વારા પત્નીની ઢોરમાર મારી હત્યા

શહેરના ભારતનગર વિસ્તારમાં પ્રેમલગ્ન નામના પવિત્ર બંધનનો કરુણ અંજામ સામે આવ્યો છે. વર્ષ 2011માં પોતાના પરિવારની મરજી વિરુદ્ધ યુવાન સાથે ભાગીને લગ્ન કરનાર નેપાળી મૂળની યુવતી સોનમ સુનારની તેના જ પતિ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે ફરિયાદ બાદ પોલીસે આરોપીને પકડી પાડયો હતો. શહેરના ભારતનગર વિસ્તારમાં વોર્ડ 9-બીએ વિસ્તારમાં રહેનાર સોનમને તેનો પતિ અને આ બનાવનો આરોપી સુલ્તાન જુસબ સુમરા રામબાગ હોસ્પિટલ લઇ ગયો હતો, જ્યાં તે ઘરે જમીન પર ચાલતા સમયે પગ સ્લીપ થતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું. મહિલાના આખા શરીરે ઇજાના નિશાનો હોવાથી તબીબોએ પીએમ બાદ વધુ હકીકત જાણવા મળે તેવું જણાવ્યું હતું. દુબઇ રહેતા યુવતીના ભાઇએ અહીં આવી તેણે ગુનો નોંધાવ્યો હતો. આ ફરિયાદી અને તેનો પરિવાર અગાઉ ભારતનગર રહેતો હતો ત્યારે વર્ષ 2011માં સોનમ નામના શખ્સ સાથે ચાલી ગઇ હતી, ત્યારે ફરિયાદી અને પરિવાર પહેલાં સિદ્ધપુર બાદ પોતાના વતનમાં ચાલ્યા ગયા હતા. દરમ્યાન સુલ્તાન સોનમને પરિવાર સાથે વાત કરવા દેતો ન હોવાથી છેલ્લા ચાર વર્ષથી પરિવારનો સોનમ સાથે કોઇ સીધો સંપર્ક નહોતો. દરમ્યાન ગત તા. 12/7ના ફરિયાદીનો ભાઇ સંતોષ જે ગાંધીધામમાં જ રહે છે તેની વાત સોનમ સાથે થઇ હતી, જેમાં આ મહિલાએ રડતાં પોતાની આપવીતી સંભળાવી હતી કે તેનો પતિ સુલ્તાન ખૂબ ગુસ્સાવાળો છે અને તેને વારંવાર ઢોરમાર મારે છે. મહિલાએ તેના ભાઇને વિનંતી કરી હતી કે, તું મારા ઘરે આવતો નહીં અને મને ફોન પણ કરતો નહીં, નહિતર મારો પતિ મને જાનથી મારી નાખશે. આ વાતના ગણતરીના દિવસોમાં જ સોનમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. દરમ્યાન તા. 17/7ના સંતોષે ફરિયાદી રાહુલને ફોન કર્યો હતો અને સોનમનું મોત થયું હોવાની જાણ કરી હતી અને પોતે રામબાગ હોસ્પિટલમાં જતાં તેના આખા શરીરે માર મારેલાના લાલ નિશાન હતા અને અન્ય નાની-મોટી ઇજાઓ તથા માથાના પાછળના ભાગેથી લોહી નીકળતું હતું. તેની સાથે કંઇક બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન આ લાશનું પીએમ કરાવવા એમ.પી. શાહ મેડિકલ કોલેજ-જામનગર લઇ જવાઇ હતી, જ્યાં તબીબોના પ્રાથમિક ટૂંકા રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, સોનમનું મોત શરીરે થયેલી ગંભીર ઇજાઓના કારણે જ થયું છે. તેવામાં આ શખ્સ છેલ્લા અઠવાડિયાથી સોનમને માર મારતો હોવાનું સંતોષના ધ્યાને આવ્યું હતું. આ ચકચારી બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે દોડધામ કરીને આ શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સ વિરુદ્ધ અગાઉ પાંચેક ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું, તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.