ભરુડિયામાં બે પક્ષ વચ્ચે મારામારી
copy image

ભચાઉના ભરુડિયા ગામે કેનાલમાં ખાડો ખોદવા તથા મોટર ચાલુ કરવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થતાં બંને પક્ષના ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી. મળતી માહિતી મુજબ ભરુડિયામાં રહેનાર યુવક અને તેના પિતા ખેતરે ગયા હતા, જ્યાં નજીકમાં નાગજીવાલા રબારી કેનાલમાં પાણી ઓછું હોઇ ખાડો ખોદતાં તેને આવું ન કરવા કહેતાં તે ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં ફરિયાદી અને તેના પિતા પરત જતા હતા, ત્યારે આરોપી નાગજી વિસા વાલા, વાલા ખોડા ગાડી સાથે ઊભા હતા અને પિતા-પુત્રને રોકાવ્યા હતા. બાદમાં બંને ઉપર હુમલો કર્યો હતો. તેવામાં ત્રણ જણે પણ ત્યાં આવી પિતા-પુત્રને માર માર્યો હતો. આ વચ્ચે ફરિયાદીનો કૌટુંબિક ભાઇ ત્યાં વચ્ચે આવી છોડાવવા જતાં તેના ઉપર પણ હુમલો કરાયો હતો. મારામારીના આ બનાવમાં કૌટુંબિક ભાઇને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ નાગજી વાલા રબારીએ ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન ગઇકાલે પોતાની વાડીએ પાણી આપવા મોટર ચાલુ કરવા જતાં ત્યાં હાજર સતુભા જટુભાએ તું તારી મોટર ચાલુ ન કરતો અત્યારે, બાદમાં ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ગાળો આપી હતી. ફરિયાદી ઘરે ગયા બાદ તેના પિતા તથા ભાઇ વાહન લઇને વાડીએ નિંદવાનું કામ કરવા જતા હતા, ત્યારે સાત લોકોએ પાઇપ, ધારીયું, લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી તથા તેના પિતાને ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.