કીવમાં રૂસનો સૌથી મોટો હુમલો

યુક્રેનના ખતરનાક ડ્રોન હુમલાનો જવાબ 24 કલાકની અંદર જ રશિયાએ બેલિસ્ટિક મિસાઇલોથી આપ્યો હતો. આશરે પાંચેક કલાક સુધી ચાલેલા આ ભીષણ હવાઈ  હુમલામાં એક વ્યક્તિનું મોત અને 16 અન્ય ઘાયલ થયા હતાં. રશિયાનાં આ ઘાતક હુમલાનાં કારણે યુક્રેનની રાજધાની કીવમાં અનેક જગ્યાએ આગ ભભૂકી હતી અને ઈમારતોને પણ ભારે નુકસાન થયું હતું. યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો બતાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયામાં તબાહીની તસવીરો પણ જારી કરી હતી અને કહ્યું હતું કે, રશિયાએ કીવમાં અલગ-અલગ પ્રકારના  40 મિસાઈલો અને 120 ડ્રોન દાગ્યા હતા. મળતી વિગતો અનુસાર રશિયાએ કીવમાં 40 ઈસ્કંદર-એમ અને હાઇપર સોનિક જિરકોન મિસાઇલોનો મારો ચલાવ્યો હતો. શનિવારની મોડી રાતે રશિયાનું આ આક્રમણ શરૂ થતાં જ કીવમાં હવાઈ રક્ષા સિસ્ટમો સક્રિય બની ગઈ હતી. થોડી જ મિનિટોમાં આખું કીવ વિસ્ફોટોથી ધણધણી ઉઠયું હતું. આ હુમલામાં કીવનાં પાંચ વિસ્તારોમાં મોટી આગ લાગી હતી. જેમાં અનેક રહેણાક ઈમારતો, કાર્યાલય ભવન, ઔદ્યોગિક એકમો, છાત્રાલયો અને સંખ્યાબંધ વાહનો પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતાં.