માતા મરણના કેસોની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાઈ
માતા મરણ દરમાં ઘટાડો લાવવા, સગર્ભા મહિલાઓને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ
ઉપલબ્ધ થાય તેમજ ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાના કેસોનું અસરકારક સંચાલન સુનિશ્ચિત થાય તે હેતુથી
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠક દરમિયાન જિલ્લામાં નોંધાયેલા માતા મરણના દરેક કેસોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
માતા મરણના મૂળ કારણો, ગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, ઉચ્ચ જોખમ ધરાવતી
ગર્ભાવસ્થાની સમયસર ઓળખ, સંસ્થાગત પ્રસૂતિ, સમયસર રેફરલ, પ્રસૂતિ બાદની સંભાળ તેમજ આરોગ્ય
સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે, માતા મરણનો દરેક કેસ ગંભીરતાથી લઈ તેનું મૂળ
કારણ જાણી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક અને સમયબદ્ધ કાર્યવાહી કરવી જરૂરી છે.
તેમણે તમામ આરોગ્ય અધિકારીઓને સગર્ભા મહિલાઓનું સમયસર નોંધણીકરણ, નિયમિત પ્રસૂતિ પૂર્વ તપાસ
(ANC), ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાની વહેલી ઓળખ, સમયસર સારવાર અને રેફરલ તેમજ પ્રસૂતિ બાદ
માતા અને નવજાતની સતત દેખરેખ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
બેઠકમાં તાલુકાવાર માતા મરણના સૂચકો, માતૃત્વ આરોગ્ય સેવાઓની કામગીરી, રેફરલ વ્યવસ્થા, ૧૦૮
ઇમરજન્સી સેવા, બ્લડની ઉપલબ્ધતા, ઇમરજન્સી પ્રસૂતિ સેવાઓ તથા વિવિધ માતા અને બાળ આરોગ્ય
કાર્યક્રમોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ માતા મરણના દરેક કેસનું રૂટ કૉઝ
એનાલિસિસ કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવા પર ભાર મૂકવામાં
આવ્યો હતો.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી, તમામ તાલુકા આરોગ્ય
અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના સબંધિત અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના અંતે જિલ્લા વિકાસ અધિકારીએ રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર માતા અને બાળ આરોગ્ય
સેવાઓને વધુ મજબૂત માટે તમામ અધિકારીઓને સંકલિત, જવાબદારીપૂર્વક અને ગુણવત્તાયુક્ત કામગીરી
કરવા અનુરોધ કર્યો.