આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈને કચ્છ જિલ્લા વહીવટીતંત્રે જાહેરનામું બહાર પાડીને લોકોને સાવચેત રહેવા કરી અપીલ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈને કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં નદી, નહેર, જળાશયો, કોઝ-વે અને પાણીના ધોધમાં ભારે વહેણ જોવા મળે છે. તેમજ આ સમયગાળા દરમિયાન દરિયામાં પણ ભારે ભરતી આવતી હોવાથી ઊંચા મોજાં ઉછળતા હોય છે. આ સમયે કેટલાક લોકો અને પ્રવાસીઓ જીવના જોખમે ન્હાવા જતાં પાણીના પ્રવાહમાં તણાઈ જવાના કે ડૂબી જવાના અનેક કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવે છે. લોકોના જાનમાલને થતું નુકસાન અટકાવવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ગૃહ વિભાગની સૂચના મુજબ આવા ભયજનક સ્થળો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

કચ્છ-ભુજના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પાર્થ કોટડીયા દ્વારા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩’ ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલી તમામ નદીઓ, નાળાં, નહેરો, ચેકડેમ, તેના નીચાણવાળા વિસ્તારો, કોઝ-વે અને નાના-મોટા ધોધ જેવા ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીને ન્હાવા જવા, કપડાં ધોવા કે માછલી પકડવા જવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમજ આ કાર્યોમાં મદદગારી કરવા પર પણ મનાઈ છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળતા હોવાથી દરિયાના પાણીમાં પ્રવેશ કરવા કે કિનારે જોખમી રીતે ઊભા રહેવા પર પણ પ્રતિબંધ છે. વિશેષમાં, જ્યારે કોઝ-વે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિએ પગપાળા કે વાહન સાથે ત્યાંથી પસાર થવું નહીં, તેમજ આવા તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઊભા રહીને મોબાઈલ કે કેમેરાથી ફોટા કે સેલ્ફી લેવા નહીં.

આ પ્રતિબંધાત્મક હુકમ કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ‘ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩’ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. કસૂરવાર ઈસમો વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવા માટે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું આગામી તા. ૦૫/૦૯/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તે માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપવા નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવે છે