ભારે વરસાદની આગાહીના પગલે તમામ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા જિલ્લા કલેક્ટરશ્રીની તાકીદ

૭ (1)

આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે આગામી ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્રની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ બેઠક બોલાવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હોય તમામ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી.

        કલેક્ટરશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તમામ મામલતદારશ્રી સાથે વાત કરીને હાલની વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ કચ્છના સરહદી વિસ્તાર સહિત તમામ તાલુકામાં અતિ ભારે વરસાદની સંભાવનાના પગલે આગોતરું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત રૂટિન કામગીરીમાં ડિ-વોટરિંગ, ટ્રી ટ્રીમિંગ, પ્રવાસી સ્થળોને બંધ કરાવવા, એનડીઆરએફ – એસડીઆરએફ ટીમના ડિપ્લોયમેન્ટ, ભારે વરસાદની પરિસ્થિતિ વખતે સ્થળાંતર માટેની પૂર્વ તૈયારીઓ, રોડ રિસ્ટોરેશનની યુદ્ધના ધોરણે કામગીરી, નાગરિકોને મીડિયાના માધ્યમથી સચેત રાખવા, બંધ રસ્તાઓ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીશ્રીઓ જરૂરી સૂચનાઓ આપી હતી. અતિ ભારે વરસાદની આગાહી હોય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પાલન કરવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, જોખમી કૉઝ-વે, નાળાઓ, પાપડી, રસ્તાઓ કે વરસાદી પાણીમાં ઉતરવાનું જોખમ નહીં ખેડવા નાગરિકોને જિલ્લા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.

        આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, અધિક કલેક્ટરશ્રી પ્રણવ વીઠાણી, ડિઝાસ્ટર મામલતદારશ્રી પ્રકાશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.