ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છના નાગરિકો માટે સલામતી અને સૂચિત કાર્યવાહી અંગેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર

      વર્તમાન સમયમાં વરસાદી ઋતુ અને ભારે વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સલામતી અને સૂચિત કાર્યવાહી માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી જણાય છે.

        આવા સમયમાં બિનજરૂરી મુસાફરી ટાળો અને લોકોએ ખાસ કરીને પૂરગ્રસ્ત અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું. કોઈપણ મુસાફરી પહેલાં ટ્રાફિકની સ્થિતિ તપાસો. પ્રવાસ શરૂ કરતાં પહેલાં ટ્રાફિકની સ્થિતિ અને માર્ગ સંબંધિત સૂચનાઓ અવશ્ય ચકાસો.

        ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહો. પાણી ભરાયેલા રસ્તા, અંડરપાસ અથવા ઝડપથી વહેતા પાણીમાંથી ચાલીને કે વાહન ચલાવીને પસાર થવાનો પ્રયાસ ન કરો. તેમજ નદી, નાળા અને પાણીના સ્ત્રોતોથી દૂર રહો. નદી કિનારા, નાળા, ગટર તથા પાણીનું સ્તર વધી રહ્યું હોય તેવા અન્ય જળાશયોથી દૂર રહેવું.

        જોખમી સ્થળોએ આશરો ન લો. ભારે વરસાદ દરમિયાન વૃક્ષોની નીચે, વીજ પોલની નજીક અથવા અસ્થિર ઇમારતો/માળખાં નીચે આશરો ન લો. આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ ખેતરોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી તથા પાક, પશુધન અને ખેતીના સાધનોનું રક્ષણ કરવું. તાત્કાલિક જરૂરિયાતની સામગ્રી તૈયાર રાખો. જેમાં સૂકો નાસ્તો, પીવાનું ચોખ્ખું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, બેટરી, પાવર બેંક, ચાર્જિંગ કેબલ, મીણબતી, બાકસ, લાઇટર, વ્હિસલ /સીટી, હેન્ડ સેનિટાઈઝર, જરૂરી ડોક્યુમેન્ટસ, કેશ વગેરે વોટરપ્રૂફ બેગમાં તૈયાર રાખવા.

        તમારા મોબાઈલ ફોન સંપૂર્ણ ચાર્જ રાખો. આવા સમયમાં મોબાઈલ ફોન સંપૂર્ણ ચાર્જ રાખવો અને આપતકાલીન સંપર્ક નંબરો સરળતાથી ઉપલબ્ધ રાખવા. તેને અલગથી એક વૉટરપ્રૂફ ડાયરીમાં લખીને તૈયાર રાખવા.

        તમામ નાગરિકોએ આ તકે “સજ્જ રહો, સુરક્ષિત રહો’’ ના મંત્રને અપનાવીને સરકારી સૂચનાઓનું પાલન કરવું, સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરવું જોઈએ અને જિલ્લા વહીવટી તંત્રને સાથ સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે.