અંતે મેઘાની ધમાકેદાર એન્ટ્રી સાથે દુકાળ આઉટઃકચ્છી માંડુઓમાં હરખની હેલીઃ ભૂજના હમીરસર તળાવ સહિત ડેમ-તળાવ-નદીઓમાં નવા નીર

ભૂજ, તા.૧૦: સતત ત્રીજું વરસ દુષ્કાળ અને અછતનો સામનો કરતા કચ્છ જિલ્લામાં આ વખતે મેદ્યરાજાએ સતત કસોટી કરીને લોકોના જીવ અદ્ઘર રાખ્યા હતા. ગત જૂન મહિનામાં વાયુ વાવાઝોડા દરમ્યાન કચ્છમાં વરસાદ પડશે એવી આગાહી થઈ હતી. પણ, વરસાદ પડ્યો નહોતો. ગયા મહિને જુલાઈમાં વધુ એક વખત કચ્છમાં વરસાદની આગાહી થઈ હતી. જે અંશતઃસાચી પડી પણ આગાહી કરતા ઓછો એવો છુટો છવાયો સામાન્ય વરસાદ થયો હતો. જેના પરિણામે અછત ચાલુ રાખવી કે દૂર કરવી તે વિશે પણ મૂંઝવણ શરૂ થઈ હતી. જોકે, અંતે આ વખતે વરસાદની કરાયેલ આગાહી સાથે જ મેઘરાજા કચ્છમાં ધોધમાર વરસ્યા છે. ગઈકાલે શુક્રવારે સવારે પૂર્વ કચ્છથી શરૂ થયેલી મેઘસવારી ધીરે ધીરે આગળ વધીને સાંજે કાંઠાળ વિસ્તાર થઈને મોડી રાત્રે કચ્છના રણ કાંધીના સરહદી ગામો સુધી પહોંચી હતી. એકંદરે થોડો ધોધમાર તો થોડા શાંત વરસાદ સાથે કચ્છમાં મેદ્યરાજા મન મુકીને વરસ્યા છે. શુક્રવાર સવારથી આજ શનિવાર સવાર સુધીના ૨૪ કલાકમાં કચ્છના દસે દસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લા કલેકટર કચેરીના આંકડા પ્રમાણે સૌથી વધુ વરસાદ ગાંધીધામ- ૧૮૦મીમી,ભચાઉ- ૧૭૩ મીમી, રાપર- ૧૫૯ મીમી, અંજાર- ૯૬ મીમી, અબડાસા- ૮૭ મીમી, ર નખત્રાણા ૭૧ મીમી, માંડવી- ૬૫ મીમી,મુન્દ્રા- ૬૦ મીમી, ભુજ ૫૩ મીમી લખપત – ૫૦ મીમી. (૨૫ મીમી વરસાદ = ૧ ઇંચ). ધમાકેદાર વરસાદને પગલે કચ્છના નદી, નાળા અને ડેમમાં નવા નીર આવ્યા છે. તો, ભુજના સૂકા ભઠ એવા હમીરસર તળાવમાં પણ નવા નીર આવ્યા છે. મેઘરાજાના વ્હાલને કારણે લોકોમાં હરખની હેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *