ભુજ તા., અંજાર તાલુકાના ભીમાસર ગામની સીમમાંથી ઝાડી-ઝાંખરા વચ્ચેથી મળી આવેલા અજ્ઞાત નવજાત શિશુને અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અતિશય નાજુક હાલતમાં પોલીસ દ્વારા લાવ્યા બાદ બાળ વિભાગના તબીબો અને તમામ નર્સિંગ સ્ટાફે માતા જેવી કાળજી લેવાની સાથે ઘનિષ્ઠ સારવાર પછી એ અજાણ્યું બાળક સ્વસ્થ થતા ભુજ સ્થિત કચ્છ મહિલા કેન્દ્રને ભાળવણી માટે સુપરત કરવામાં આવ્યું હતું.જી.કે.જનરલ હોસ્પિટલનાં બાળરોગ નિષ્ણાંત એસો. પ્રોફેસર. ડો. રેખાબેન થડાની અને નર્સિંગ સ્ટાફની હાજરીમા મહિલા કેન્દ્રના મેનેજર- કો ઓર્ડીનેટર અવનીબેને જેઠીને સોંપવામાં આવ્યું હતું. ગત ૭મી જુલાઈના રોજ જયારે આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે વજન ઓછું હતું. તેની ઉમર ૧૦ દિવસની હતી. આખા શરીરમાં ઉઝરડા ( મલ્ટીપલ ઇન્જરી) હતા. એ બાળકના આખા શરીરમાં કીડા-મંકોડાએ કરડયા હોવાના નિશાન(ઇન્સેકટ બાઈટ) હતા તેથી ચેપ લાગી ગયો હતો. આવી પરિસ્થિતિમાં શરીરમાંથી પાણી સદંતર નીકળી ગયું હોવાથી (ડી-હાઈડ્રેશન) બચી શકે તેવા એક પણ ચિહ્ન જણાતા નહોતા. ત્યારે તાત્કાલિક અસરથી બાળરોગ નિષ્ણાંત અને આસી. પ્રો. હરદાસ ચાવડા દ્વારા એન.આઈ.સી.યુ.(નવજાત શિશુ સંભાળ યુનિટ)માં સપોર્ટ સિસ્ટમથી સારવાર શરુ કરી દેવામાં આવી. અને બરાબર એક મહિનાની સઘન સારવાર પછી વજન પણ વધી ગયું. અને તંદુરસ્ત બનતા કેન્દ્રને આપવામાં આવ્યું.એન.આઈ.સી.યુ.નાં નર્સ ઊર્મિબેને કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં આ પ્રકારે ત્રણ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અને મહિલા કલ્યાણ કેન્દ્રને આપવામાં આવ્યા છે.