પેપર લીક મુદે સંસદમાં શાસક-વિપક્ષનો સંગ્રામ

દિવસો સુધી ચાલેલી મડાગાંઠ બાદ અંતે આજે લોકસભામાં પેપર લીક વિરોધી સુધારા ખરડા પર ચર્ચા શરૂ થઈ શકી હતી. રાત્રે 11 વાગ્યા સુધી ચાલેલી ચર્ચામાં એક તરફ સરકારે આ બિલને વિદ્યાર્થીઓનાં હિત માટે પોતાની પ્રતિબદ્ધતા સમાન લેખાવ્યું હતું, તો બીજી બાજુ વિપક્ષોએ દેખાવકારો પર લાઠીચાર્જ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. ચર્ચા સ્થગિત થયા બાદ બુધવારે સવારે સંસદ કાર્યવાહી આગળ વધારશે. પીએમોના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે આ સુધારા ખરડો રજૂ કરતાં કહ્યું હતું કે, આ સંશોધનોથી કાયદો વધુ કડક બનશે. બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, યુવા પ્રદર્શનકારો પર લાઠીચાર્જથી સરકારની પ્રતિષ્ઠા ઝંખવાય છે. લોકસભામાં વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધી ચર્ચામાં ભાગ લેશે. દરમ્યાન બિલ્કિશ બાનો કેસમાં દોષિતોની મુક્તિ વિશે આપેલાં એક જૂનાં નિવેદનને કારણે દેશના નવા શિક્ષણમંત્રી પ્રહલાદ જોશી વિપક્ષના નિશાન ઉપર આવી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા બન્નેએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રહલાદ જોશીને નવા શિક્ષણમંત્રી બનાવવાના નિર્ણય સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રહલાદ જોશીને શિક્ષણમંત્રી બનાવવાના નિર્ણયનો વિરોધ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આટલા બધા યુવાનો શિક્ષણ વ્યવસ્થાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ઘણી યુવતીઓ પણ પ્રદર્શન કરી રહી હતી. તેમને માર મારવામાં આવ્યો. ભાજપે એવી વ્યક્તિને બેસાડી છે, જે બળાત્કારીઓના રક્ષક છે, જે સૌથી ખરાબ વ્યક્તિ છે. કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ એવું કહે કે, બળાત્કારીઓને સુરક્ષાની જરૂર છે, તેનાથી વધુ ખરાબ કોઈ હોઈ શકે નહીં. આ ભારતના શિક્ષણમંત્રી છે. આ આશ્ચર્યજનક બાબત છે. વડાપ્રધાનના મંત્રીમંડળમાં ઘણા લોકો હતા અને તેઓ કોઈને પણ પસંદ કરી શકતા હોત, પરંતુ તેમણે એવી વ્યક્તિની પસંદગી કરી જે બળાત્કારીઓને રક્ષણ આપે છે. આ ખૂબ જ ચોંકાવનારું છે. પ્રિયંકા ગાંધીએ પણ સંસદમાં પ્રહલાદ જોશીને શિક્ષણમંત્રી બનાવવાના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાને નવા શિક્ષણમંત્રીની પસંદગી કરી અને એવી વ્યક્તિને સત્તા સોંપી છે, જેમણે એક ગર્ભવતી મહિલાના બળાત્કારીઓની મુક્તિને સમર્થન આપ્યું હતું. દેશની કરોડો દીકરીઓને વડાપ્રધાને શું સંદેશ આપ્યો છે ? વડાપ્રધાને પોતાના સલાહકારો બદલી નાખવા જોઈએ એમ પ્રિયંકાએ ઉમેર્યું હતું.