મેટાએ મોદીનો વીડિયો હટાવતાં હોબાડો

image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 જુલાઈની મોડી રાત્રે પોસ્ટ કરેલો એક વીડિયો સંદેશ ફેસબુક પરથી અમુક સમય માટે હટાવી દેવાનો વિવાદ વધ્યો છે. આ બનાવ અંગે અમેરિકા સ્થિત સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની મેટાએ એવો ખુલાસો કરતાં જણાવ્યું છે કે, ટેકનિકલ કારણથી આ વીડિયો ભૂલથી હટાવી દેવાયો હતો અને હવે ફરી પોસ્ટ થઈ ગયો છે, પણ કેન્દ્ર સરકારને તેના જવાબથી સંતોષ નથી થયો અને મેટાના પબ્લિક પોલિસીના ગ્લોબલ હેડને સ્પષ્ટતા માટે બોલાવાયા છે. સીજેપીના આંદોલન વખતે મોદીએ 23મીની રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ  કર્યો હતો અને પેપર લીકને ગંભીર મામલો ગણાવીને તેના વિરુદ્ધ કડક સુધારા ખરડો લાવવાનો તેમજ વધુ આકરાં પગલાં લેવાની ધરપત આપી હતી. આ વીડિયો બાદમાં ફેસબુક પર પણ અપલોડ કરાયો હતો. ફેસબુક પર આ વીડિયો અમુક સમય માટે રિસ્ટ્રીક્ટેડ કરી દેવાયો હતો, જેને પગલે હોબાળો મચ્યો હતો. ભાજપ નેતા પ્રીતિ ગાંધીએ  મેટા સામે સવાલો કરીને જણાવ્યું હતું કે, સૌથી મોટા લોકશાહી દેશના લોકપ્રિય વડાપ્રધાને  જનતાને સીધો સંદેશ આપ્યો અને મેટાએ તેને રિસ્ટ્રીક્ટેડ કરી નાખ્યો તેને કોણે આવી સત્તા આપી? મેટાએ  થોડા  સમયમાં આ વીડિયો રિસ્ટોર કર્યો હતો અને ટેકનિકલ ભૂલ બદલ માફી માગી હતી. મેટાના પ્રવક્તાએ કહ્યું હતું કે, ભૂલથી આ વીડિયો હટી ગયો હતો, પણ તે ફરી સ્થાપિત કરી દેવામાં આવ્યો છે, પણ સરકારને તેનો ખુલાસો પસંદ આવ્યો નથી અને કેન્દ્રના આઈટી મંત્રાલયે મેટાના પબ્લિક પોલિસીના ગ્લોબલ  હેડને જવાબ માટે બોલાવ્યા છે.