એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નીરોણામાં 108 ઇમરજન્સી સેવા અને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

image

નીરોણા: સારસ્વતમ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણા ખાતે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને પ્રાથમિક સારવાર અંગે જાગૃતિ તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરી, 108ના પ્રોગ્રામ મેનેજર ડૉ ભવરભાઈ પ્રજાપતિ, ઈ.એમ.ઈ. હિરેનભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ઈ.એમ.ટી. સુરેશભાઈ સોલંકી અને પાયલોટ જેરામભાઈ ઠાકોરનું શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે 108ના પ્રોગ્રામ મેનેજર ડૉ ભવરભાઈ પ્રજાપતિ અને ઈ.એમ.ટી. સુરેશભાઈ સોલંકીએ 108 ઇમરજન્સી સેવાના કાર્યો, તેનો યોગ્ય ઉપયોગ, અકસ્માત કે અન્ય તાત્કાલિક પરિસ્થિતિમાં મદદ મેળવવાની પ્રક્રિયા, પ્રાથમિક સારવારના મૂળભૂત નિયમો, CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) તેમજ સાપ કરડવાના બનાવોમાં રાખવાની સાવચેતી અને પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત અને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ઇમરજન્સી સમયે ગભરાયા વિના યોગ્ય નિર્ણય લઈ અસરકારક રીતે સેવા મેળવવા અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, 108 ઇમરજન્સી સેવા અનેક લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ છે. વિદ્યાર્થીઓને બાળપણથી જ આવી ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય તો તેઓ આપત્તિના સમયે યોગ્ય નિર્ણય લઈ પોતે સુરક્ષિત રહી શકે તેમજ અન્ય લોકોની પણ મદદરૂપ બની શકે. તેમણે વિદ્યાર્થીઓને આ જ્ઞાન પોતાના પરિવારજનો અને સમાજ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રશ્નો પૂછીને ઇમરજન્સી સેવા અને પ્રાથમિક સારવાર અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. આવા સરસ ઉપયોગી માર્ગદર્શન અને નિદર્શન માટે શાળા પરિવારે 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.