સમગ્ર કચ્છ જિલ્લામાં 10 ઓગસ્ટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી, 1 થી 19 વર્ષના તમામ બાળકોનેઅપાશે કૃમિનાશક ગોળી
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર
કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોને આંતરડાના કૃમિના ચેપથી સુરક્ષિત રાખવા અને તેમના આરોગ્ય,
પોષણ તથા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ તા. 10
ઓગસ્ટ, 2026ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (National Deworming Day – NDD) ની ઉજવણી કરવામાં
આવશે. આ ઉપરાંત જે બાળકો કોઈ કારણસર પ્રથમ દિવસે કૃમિનાશક ગોળી મેળવી શકશે નહીં તેમના માટે
તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ મોપ-અપ રાઉન્ડ યોજવામાં આવશે.
સમગ્ર કચ્છ જિલ્લામાં આ અભિયાન જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ
તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (CDHO) અને જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી (RCHO) ના
સંકલન અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે.
આ અભિયાનમાં જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, તમામ તાલુકા
આરોગ્ય કચેરીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, શાળાઓ,
આંગણવાડી કેન્દ્રો, આશા, ANM, MPHW, મેડિકલ ઓફિસરો, RBSK ટીમો, શિક્ષકો તથા અન્ય સંબંધિત
વિભાગોના સંકલિત પ્રયાસોથી સમગ્ર કચ્છ જિલ્લાના દરેક ગામ અને શહેરમાં અભિયાનનું સફળ આયોજન
કરવામાં આવશે.
આંતરડામાં થતા કૃમિના ચેપના કારણે બાળકોમાં એનિમિયા, કુપોષણ, ભૂખમાં ઘટાડો, શારીરિક વિકાસમાં
અવરોધ, માનસિક વિકાસમાં અસર તથા અભ્યાસમાં પાછળ રહી જવાની શક્યતા રહે છે. આ સમસ્યાને
અટકાવવા માટે વર્ષમાં બે વખત કૃમિનાશક ગોળી આપવાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવે
છે. આલ્બેન્ડાઝોલ ગોળી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા માન્ય, સુરક્ષિત અને અસરકારક દવા છે અને
કરોડો બાળકોને સફળતાપૂર્વક આપવામાં આવી રહી છે.
અભિયાન દરમિયાન 1 થી 2 વર્ષના બાળકોને 200 મિ.ગ્રા. (અડધી ગોળી) તથા 2 થી 19 વર્ષના બાળકોને
400 મિ.ગ્રા. (એક સંપૂર્ણ ગોળી) ઉંમર મુજબ ચાવીને આપવામાં આવશે. ગોળી આપતી વખતે બાળકોને સ્વચ્છ
પાણી પીવડાવવામાં આવશે તથા ગોળી તાલીમબદ્ધ આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, આશા અથવા
શિક્ષકોની હાજરીમાં જ આપવામાં આવશે.
અભિયાન અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાએ ન જતા બાળકો, આંગણવાડીમાં
નોંધાયેલા તેમજ નોંધણી વગરના તમામ બાળકો સુધી પહોંચવા માટે ગામવાર અને શાળાવાર માઇક્રોપ્લાન
તૈયાર કરવામાં આવ્યા છે. આશા કાર્યકરો, ANM તથા આંગણવાડી કાર્યકરો દ્વારા દરેક બાળક સુધી પહોંચીને
100 ટકા આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવશે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં આલ્બેન્ડાઝોલ ગોળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં
આવ્યો છે. ઉપરાંત તમામ આરોગ્ય કર્મચારીઓ, આશા, આંગણવાડી કાર્યકરો અને શિક્ષકોને જરૂરી તાલીમ
આપવામાં આવી રહી છે. IEC સામગ્રી, પોસ્ટર, બેનર, સોશિયલ મીડિયા, વોટ્સએપ, ડિજિટલ માધ્યમો તથા
જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા અભિયાનનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે જેથી દરેક વાલી સુધી આ
સંદેશ પહોંચે.
અભિયાન દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાએ સતત મોનિટરિંગ તથા સુપરવિઝનની વ્યવસ્થા કરવામાં
આવી છે. જિલ્લાના અધિકારીઓ દ્વારા વિવિધ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીનું
નિરીક્ષણ કરવામાં આવશે. RBSK ટીમો તથા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને પણ સજ્જ રાખવામાં આવી છે જેથી
કોઈપણ પ્રકારની આડઅસર જણાય તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઈ શકે.
આલ્બેન્ડાઝોલ ગોળી લીધા બાદ કેટલાક બાળકોમાં કૃમિનો ચેપ વધુ હોય તો હળવો પેટદુખાવો, ઉબકા, ઊલટી,
ઝાડા અથવા થાક જેવા સામાન્ય અને થોડા સમય માટેના લક્ષણો જોવા મળી શકે છે, જે ગંભીર નથી. તેમ
છતાં કોઈ ગંભીર તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા આરોગ્ય વિભાગે અપીલ
કરી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જિલ્લાના તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના 1 થી 19
વર્ષના દરેક બાળકને નિર્ધારિત દિવસે કૃમિનાશક ગોળી અવશ્ય અપાવે, જેથી બાળકોને કૃમિના ચેપથી સુરક્ષા
મળે, પોષણમાં સુધારો થાય, એનિમિયા ઘટે અને તેઓ સ્વસ્થ, તંદુરસ્ત તથા સશક્ત ભવિષ્ય તરફ આગળ
વધી શકે.
“સ્વસ્થ બાળક – સ્વસ્થ કચ્છ – સ્વસ્થ ગુજરાત”ના સંકલ્પ સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક
દિવસની ઉજવણીને સફળ બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગે તમામ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો
છે.