કેરા જડેશ્વર મહાદેવની શ્રદ્ધાપ્રેરક ઘટના

ત. ૧૧મી સપ્ટેમ્બર ૧૯૮૨નાં કેરા ગજોડ રસ્તે ફરવા જતાં, મને મળેલી જૂની મૂર્તિઓ અંગેના સમાચાર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા ત્યારે મને સ્વપ્નેય કલ્પના નહતી કે છાપાંના એક ખૂણે છપાએલ આ નાનકડા સમાચારનો આટલો મોટો પડઘો પડશે. માનકૂવાનાં રમાબેન શિવજી વરસાણીને બાળપણથી જ એક મંદિર બંધાવવાની પ્રેરણા થતી. ત્યાં આ મૂર્તિ સંશોધન અંગે જાણકારી મળતાં જ એમને એ સ્વપ્ન મૂર્તિમંત થતું જણાયું.કેરાની નાગમતી નદીના તટે -જ્યાંથી મૂર્તિ પ્રાગટ્ય થયું હતું ત્યાં જ- રમાબેને પ્રથમ નાનકડી દેરી બંધાવી. પછી તો સમયાંતરે સ્થાનિક અને વિદેશવાસી દાતાઓનો આર્થિક સહયોગ મળતો ગયો તેથી હવે ત્યાં ભવ્ય દિવ્ય મંદિર અને પાસે આધ્યાત્મિક શાંતિ આપતું વિશાળ પરિસર નિર્માણ પામ્યું છે. વૃક્ષોથી સુશોભિત અને ફૂલોથી સુવાસિત આ પરિસરમાં અનેક દેવ દેવીઓની વિરાટ કદની મૂર્તિઓનું સાન્નિધ્ય જાણે ઈશ્વર સમીપે હોઈએ એવી અલૌકિક દુનિયા રચે છે. મંદિરમાં વિશેષમાં રાધાકૃષ્ણ અને રામ દરબાર, શિવ દરબાર પણ દર્શનીય છે. અહીં બાળકો માટે રમતગમતનાં સાધનોની સુવિધા પણ છે.આમ આ મંદિરનાં નિર્માણ પાછળ ઈશ્વરીય પ્રેરણા અને સંશોધિત મૂર્તિઓનું ઐતિહાસિક મહત્વ છે. ‘મૂર્તિ સંશોધન’ બાદ મને એવો ખ્યાલ આવી ગયો હતો કે આ મૂર્તિઓ વિષ્ણુ કે સૂર્યની અને ગુપ્તોત્તરકાલીન છે. તત્કાલિન મ્યુંઝીંયમ ક્યુરેટર દિલીપભાઈ વૈદ્ય, મારા વડીલ બંધુ ઈતિહાસ અને ભાષાવિદ ભરતભાઈ છાયા સાથે અન્ય ઈતિહાસકારોનો પણ એવો જ અભિપ્રાય મળ્યો. પછીની ઘટનાઓએ-નવાઈ લાગે એમ- એક સાંકળનું સ્વરૂપ લઇ લીધું! મૂર્તિ સંશોધન,પ્રાગટ્યની પ્રસિદ્ધિ અને મંદિર નિર્માણની પ્રેરણા ! આ ઘટનાક્રમ માટે જાણે કે કુદરત દ્વારા પૂર્વ નિર્મિત હોય એમ એક જ સાંકળની કડીઓ નિમિત્ત બની! મંદિર બનતાં, પ્રથમ પૂજા ગામના મોતીગર બાવાએ સંભાળી હતી. ૧૯૮૩માં મહાશિવરાત્રીના પવિત્ર દિને અહી નૂતન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી. એ વખતે ગામના ગોર વિશ્વનાથભાઈ જોશીના હસ્તે ધાર્મિક વિધિ થઇ હતી. પછી ૧૯૮૪માં અમે નાગપ્રતિષ્ઠા કરી હતી. હવે ‘મૂર્તિના સંશોધક તરીકે આ મુજબની તકતી મંદિરમાં લગાડવામાં આવી છે . ” કેરા ગ્રુપ પેસેન્ટર શાળાના આચાર્યશ્રી. જગદીશચંદ્ર ચં. છાયા ‘શ્રેયસ’ દ્વારા, સપ્ટેમ્બર, ૧૯૮૨માં સંશોધિત આ પ્રાચીન ખંડિત મૂર્તિનાં સ્થળે આ ભવ્ય મંદિર અને સુશોભિત કલાત્મક પરિસરનું નિર્માણ થયું છે.’આ તકતી મંદિરમાં લાગતાં ઇતિહાસની ખૂટતી કડી એ સાંકળમાં જોડાઈ જતાં, હવે મંદિરના ઇતિહાસને પૂર્ણતા પ્રાપ્ત થઇ છે.તા. ૨૧. ૦૪. ૨૦૧૮, શનિવારે એ તકતીનું અનાવરણ મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કાનજીભાઇ હાલાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. કેરાના મહારાજ શાસ્ત્રી નવનીત વિશ્વનાથ જોશી, યાજ્ઞિક જોશીએ એની શાસ્ત્રોક્ત રીતે ધાર્મિક વિધિ સમ્પન્ન કરાવી હતી. કેરા એચ.જે.ડી.ના સ્થાપક ચેરમેન અને મંદિર ટ્રસ્ટના પ્રમુખ -મારા પૂર્વ વિદ્યાર્થી- જગદીશભાઈ હાલાઈ, રવિલાલભાઈ હિરાણી, દીપગર મહેશગર ગોસ્વામી, ભીમજી ખેતાણી વ.એ સહયોગ આપ્યો હતો. આ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવતી તકતીનાં અનાવરણ પ્રસંગને ‘લોકોત્સવ’ નું સ્વરૂપ મળ્યું હતું. હાલમાં મંદિરની સેવા પૂજા સંભાળતા જાણીતા કથાકાર શાસ્ત્રી મહારાજ વિશ્વનાથ જોશી ધાર્મિક સામાજિક વિધિઓ પણ સંપન્ન કરાવે છે.ધાર્મિક મહોત્સવોની શાનદાર ઉજવણીહવે મંદિરનું મહાત્મ્ય બહુ જ વધી ગયું છે. આમ તો બારે ય માસ, પણ મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ભાવિકો અહી દર્શનનો લાભ લેવા રીતસર ઉમટી પડે છે. શ્રી જડેશ્વર મહાદેવ મંદિર તથા ગૌશાળા ટ્રસ્ટ કેરા દ્વારા જન્માષ્ટમીએ ભવ્ય રવાડી, મટકીફોડ જેવા કાર્યક્રમોની હોંશભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે.મહાશિવરાત્રીએ આ જડેશ્વર મંદિર થી લાખેશ્વર મંદિર સુધી સુશોભિત માર્ગો પરથી ભોલેનાથના ગુણગાન ગાતી- જયનાદ ગજવતી- ભવ્ય શોભાયાત્રા નીકળે છે. જે આકર્ષણનું કેન્દ્ર બની રહેવા સાથે આધ્યાત્મિક માહોલ રચે છે. પર્યટકો માટે આ સ્થળ અગ્ર પસંદગીનું બની ગયું છે. ગામના ધાર્મિક મહોત્સવો પણ અહી ભારે ધામધૂમથી ઉજવાય છે. યજ્ઞશાળાની સુવિધા મળી છે. લગ્ન પણ અહીં થાય છે. સંતવાણી, મહાઆરતીના કાર્યક્રમો યોજાતા રહે છે. આ મંદિર હવે લોકોનું આસ્થાધામ બની ગયું છે. કેરા બાળમંદિર પાસેથી જડેશ્વર તરફ જતા માર્ગ પર મંદિરની દિશા સૂચક બોર્ડની જરૂર હોવાનાં મારાં સૂચનનો અમલ થતાં મુન્દ્રા રસ્તે જતાં પ્રવાસીઓને એ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળે છે. ‘માનવ જ્યોત’ સંસ્થા સાથે જોડાએલા મારા પૂર્વ વિદ્યાર્થી સહદેવસિંહજી જાડેજાએ આ બાબતે ખાસ રસ લીધો હતો જે ઉલ્લેખનીય છે. ચોમાસાંમાં છલકાતો ગજોડ ડેમ જોવા જતાં પ્રવાસીઓને વિનંતી કે એ રસ્તા પર આવતાં અજોડ અને અદભુત એવાં શ્રદ્ધાસ્થાન જડેશ્વર મંદિરનાં દર્શનનો લ્હાવો લેવાનું ચૂકશો નહિ. સાથે એ મંદિરનું મનમોહક ભવ્ય દિવ્ય પરિસર અચૂક જોજો. અને અંતમાં એક અવિસ્મરણીય ઘટનાનો ઉલ્લેખ કરું. તા.૭ થી ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૦૪ દરમિયાન કેરા ગામે યોજાએલ મોરારીબાપુની કથા ‘પ્રેમ યજ્ઞ’ વખતે,પૂ.બાપુએ મારા પુત્ર ધૈર્ય છાયા દ્વારા લિખિત ‘કેરાની કોમી એકતા’ વિશેના આખા લેખનું વ્યાસપીઠ પરથી પઠન કર્યું હતું. ત્યારે ‘એમાં જડેશ્વર મંદિરની આ શ્રદ્ધાપ્રેરક ગાથા’ને પણ સમાવી લીધી હતી જેનું અમને ગૌરવ છે. પછીથી મને એક ગાઈડ તરીકે કારમાં સાથે રાખીને બાપુએ કેરાનાં દર્શનીય સ્થળો નિહાળ્યાં હતાં. વિશેષમાં,ગુલામઅલીશા પીરની દરગાહમાં મને બાપુ સમક્ષ બોલવાનો મોકો મળ્યો હતો. બાપુ સાથે ગાળેલી એ ક્ષણો જીવનમાં યાદગાર બની ગઈ છે.