વરસાદની આગાહીને લઈને કચ્છના તમામ પશુપાલકોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવા જિલ્લા પશુપાલન અધિકારીશ્રી દ્વારા અનુરોધ

 હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. કચ્છના પશુપાલકોને સાવચેતી માટે માર્ગદર્શન આપતા જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડૉ. રાજેશ પટેલે અનુરોધ કર્યો છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની કે અતિવૃષ્ટિ થવાની સંભાવના રહેલી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં પશુઓને ઊંચાણવાળી જગ્યાએ ખસેડવા જોઈએ. પશુઓને સાંકળ કે ખીલાએ બાંધવા નહીં અને તેને ખુલ્લા મુકવા હિતાવહ છે. પશુઓને એવી તમામ જગ્યાઓથી દૂર રાખવા જ્યાં પાણીનો ભરાવો થતો હોય. જર્જરિત મકાન, દીવાલો અને ભયજનક વૃક્ષોના લીધે પણ પશુઓને વરસાદની સિઝનમાં હાનિ થઈ શકે છે જેથી પશુઓને આ પ્રકારની ભયજનક જગ્યાએથી દૂર રાખવા.

        જિલ્લા પશુપાલન અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, કચ્છ જિલ્લામાં પશુઓની સારવાર માટે પુરતી દવાઓ અને રસીઓનો જથ્થો ઉપલબ્ધ છે. ખાસ કરીને આકસ્મિક કિસ્સાઓમાં પશુઓની સારવાર માટે તાલુકાકક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોઈ આકસ્મિક પરિસ્થિતિ દરમિયાન પશુપાલકોને નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા તો હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે.

વધુમાં પશુપાલકોને જણાવવાનું કે વરસાદ, ભારે પવન, અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં વર્તમાનપત્રો, ટી.વી., રેડીઓ અને સંબંધિત માધ્યમોમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી ચેતવણી કે આગાહી બાબતે હંમેશા સતર્ક રહેવું.  પશુઓને રાખવાની જગ્યા શક્ય એટલી ઉંચાણવાળી અને કાદવ કીચડ ન થાય તેવી પસંદ કરવી. ભારે વરસાદ, પૂર વાવાઝોડા વખતે પશુઓને સાંકળ દોરડાથી ખીલે બાંધી રાખવા નહીં. બંધનમુક્ત પશુ પોતાની રીતે સલામત સ્થળે જઇ સ્વબચાવ કરી શકે છે.

ભારે વરસાદ કે ભારે પવનની પરિસ્થિતિ ઉદ્ભવે તો તેની અસર પશુઓ ઉપર અને પશુપાલન આધારિત માલધારીઓની અર્થવ્યવસ્થા પર ઘણી પડતી હોય છે. ખાસ કરીને ખુલ્લા વાડાઓમાં રાખવામાં પશુઓ, નાનાં વાછરડા કે પાડા પાડીઓ, બીમાર અને ગાભણ પશુઓ તથા ઘેટાં બકરા જેવા પશુઓને વધારે વિપરીત અસર થાય છે. તે ઉપરાંત ગૌશાળા-પાંજરાપોળો કે જ્યાં વૃદ્ધ અને અશક્ત પશુઓ મોટી સંખ્યામાં હોય ત્યાં પણ પુરતી કાળજી ન રખાય તો પશુઓને નુકશાન થાય છે. જેથી પશુપાલકો દ્વારા આ બાબતે પુરતા તકેદારીનાં પગલાં લેવામાં આવે તેમ અનુરોધ કચ્છ જિલ્લા પશુપાલન અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે.