માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરક સંબોધન સાથે દેશવ્યાપી ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનનો મહાયજ્ઞ.
ભુજ : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં નશામુક્ત અને સશક્ત ભારતના નિર્માણ માટે એક ઐતિહાસિક પહેલરૂપ “નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનને જનજન સુધી પહોંચાડવા માટે અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી (ANUVIBHA) દ્વારા આગામી 2 ઓગસ્ટ, 2026 (રવિવાર) ના રોજ દેશવ્યાપી કાર્યક્રમ યોજાશે, જેમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સવારે 10:30 કલાકે લાઇવ સંબોધન કરીને દેશના યુવાનોને નશામુક્ત જીવન જીવવાનો સંકલ્પ અપાવશે.
અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતાપસિંહ દુગડ તથા મહામંત્રી મનોજ સિંધવી દ્વારા દેશભરની તમામ અણુવ્રત સમિતિઓને મોકલાયેલા પરિપત્રમાં આ અભિયાનને એક લોકચળવળનું સ્વરૂપ આપવા આહ્વાન કરવામાં આવ્યું છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ દેશના શહેરો, તાલુકાઓ અને ગામડાઓમાં સ્થાનિક સ્તરે વિશાળ જનભાગીદારી સાથે કાર્યક્રમો યોજવામાં આવશે, જ્યાં વડાપ્રધાનના લાઇવ સંબોધનનું પ્રસારણ કરવામાં આવશે તેમજ ઉપસ્થિત નાગરિકોને નશામુક્તિનો સંકલ્પ લેવડાવવામાં આવશે.
આ રાષ્ટ્રીય અભિયાનનો મુખ્ય હેતુ દેશના યુવાનોને તમામ પ્રકારના વ્યસનોથી દૂર રાખી તેમને સ્વસ્થ, સશક્ત, જવાબદાર અને ચારિત્ર્યવાન નાગરિક તરીકે ઘડવાનો છે. વ્યસનમુક્ત યુવા શક્તિ જ વિકસિત ભારતના મજબૂત પાયા બની શકે છે તેવા સંદેશ સાથે સમગ્ર દેશમાં એક જ સમયે લાખો યુવાનોને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ યુવાનો અને નાગરિકો આજીવન નશામુક્ત રહેવાની શપથ લેશે. તેઓ દારૂ, તમાકુ, ગાંજો, ચરસ, હેરોઇન, ભાંગ તથા અન્ય તમામ પ્રકારના માદક અને નશીલા પદાર્થોથી દૂર રહેવાનો સંકલ્પ કરશે. સાથે જ પોતાના પરિવાર, મિત્રો અને સમાજને પણ વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે.
અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી વર્ષોથી આચાર્ય શ્રી તુલસી દ્વારા પ્રસ્થાપિત અણુવ્રત આંદોલનના નૈતિક મૂલ્યોના આધારે ચારિત્ર્ય નિર્માણ, નશામુક્તિ, નૈતિક શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને માનવ મૂલ્યોના પ્રસાર માટે સમગ્ર દેશમાં કાર્યરત છે. વર્તમાન અનુશાસ્તા આચાર્ય શ્રી મહાશ્રમણજીની પ્રેરણાથી સંયમ અને સદાચાર આધારિત સમાજ નિર્માણ માટે અનેક રાષ્ટ્રીય અભિયાનો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. “નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત” અભિયાન પણ તે જ શ્રેણીની એક મહત્વપૂર્ણ અને દૂરગામી અસર ધરાવતી પહેલ માનવામાં આવી રહી છે.
દેશભરમાં યોજાનારા કાર્યક્રમો શાળાઓ, મહાવિદ્યાલયો, સામુદાયિક ભવનો, જાહેર સભાખંડો તથા અન્ય જાહેર સ્થળોએ યોજાશે. વડાપ્રધાનના સંબોધન પહેલાં મહેમાનોનું સ્વાગત, અભિયાનના હેતુ અંગે માર્ગદર્શન અને ત્યારબાદ લાઇવ પ્રસારણ, નશામુક્તિની શપથ તથા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે.
ભુજ સમિતિના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્યશ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું કે કચ્છના ભુજ ખાતે પણ અણુવ્રત સમિતિ ભુજ દ્વારા આ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં તેરાપંથ સભા ભુજના હોદ્દેદારો, સભ્યો, યુવાશક્તિ, મહિલા મંડળ તેમજ શહેરની વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ગૌરવમય ઉપસ્થિતિ નોંધાવશે. અણુવ્રત સમિતિ ભુજ દ્વારા વધુમાં વધુ યુવાનો અને નાગરિકો આ અભિયાન સાથે જોડાય અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણાદાયી સંબોધનનો લાભ લે તે માટે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીએ દેશના તમામ અણુવ્રત સમિતિઓ, શિક્ષણ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો અને સમાજના પ્રબુદ્ધ નાગરિકોને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે. સંસ્થાના મતે વ્યસનમુક્ત યુવા શક્તિ જ આત્મનિર્ભર, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
“અણુવ્રતોનો સંદેશ – નશામુક્ત બને સમગ્ર દેશ” ના પ્રેરક સૂત્ર સાથે યોજાનાર આ રાષ્ટ્રીય અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ ભારતના યુવાનોમાં ચારિત્ર્ય, સંયમ, જવાબદારી અને રાષ્ટ્રનિર્માણની ભાવના જગાડવાનો એક વ્યાપક જનઆંદોલન બની રહેશે. દેશના કરોડો યુવાનો જ્યારે એકસાથે નશામુક્તિનો સંકલ્પ લેશે, ત્યારે તે “વિકસિત ભારત – 2047” ના રાષ્ટ્રીય સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે.તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.