કચ્છ મ્યુઝિયમ ખાતે કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના હસ્તે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું ચિત્રકાર તરીકેનું પ્રથમ પ્રદર્શન ખુલ્લું મુકાયું

આજરોજ તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના દિવસે કચ્છ મ્યુઝિયમ, ભુજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના દ્રશ્યકલા વિભાગની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે વકીલ પ્રેમજી રાઘવજી ઠક્કર ચેરિટેબલ ટ્રસ્ટ વ્યાખ્યાન માળા અંતર્ગત અને કચ્છ મ્યુઝિયમ, ભુજના સહયોગથી હાસ્યકલાકાર તેમજ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. લોકોમાં હાસ્ય કલાકાર તરીકેની આગવી ઓળખ ધરાવતા શ્રી શાહબુદ્દીન રનું ચિત્રકાર તરીકે આ પ્રથમ પ્રદર્શન હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમના અદભુત ચિત્રોનું આ ભવ્ય પ્રદર્શન મુલાકાતીઓ દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ અવસરે વહીવટી તંત્ર, કલા, સંસ્કૃતિ અને શિક્ષણ જગતના અનેક મહાનુભાવોએ પોતાની ગરિમામયી ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમની અધ્યક્ષતા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલે કરી હતી. આ પ્રસંગે શ્રી હરીશ રંગવાલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત કુલસચિવ ડૉ. અનિલ ગોર, ડીન પ્રોફેસર કાશ્મીરા મહેતા, પુરાતત્વ વિભાગના અધિક્ષક ડૉ. આદિત્ય સિંહ, શ્રી જયપાલ સિંહ જાડેજા તેમજ શ્રી ધવલ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલા અને તેમના સ્ટાફ દ્વારા વિશેષ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. દ્રશ્યકલા વિભાગના પ્રો. નવીન સોની, શ્રી જીગર સોની, શ્રી રત્નેશ પાંડે અને શ્રીમતી સીમાના માર્ગદર્શન હેઠળ વિભાગના તમામ વિદ્યાર્થીઓએ સાથે મળીને આ પ્રદર્શન અને કાર્યક્રમની સુંદર રૂપરેખા તૈયાર કરી હતી. ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીઓની મહેનત અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની કલાકૃતિઓની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. કલાપ્રેમીઓ માટે આ પ્રદર્શન એક અનોખી તક સમાન સાબિત થયું છે.