ભુજ તાલુકાના બન્ની વિસ્તારના સરાડા મોટામાં થોડા વરસાદે જ રસ્તાઓની પોલ ખોલી, ગ્રામજનોમાં રોષ ફેલાયો

image

ભુજ તાલુકાના બન્ની વિસ્તારના સરાડા મોટા ગામમાં આજે પડેલા સામાન્ય વરસાદ બાદ ગામના અનેક રસ્તાઓ કાદવમાં ફેરવાઈ જતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના અનેક વિસ્તારોમાં આજે પણ સી.સી. રોડ અને મેટલ રોડ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. વરસાદને કારણે રસ્તાઓ પર કાદવ અને પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, પશુપાલકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ છે કે છેલ્લા ચારથી પાંચ વર્ષથી ધારાસભ્ય, સંબંધિત વિભાગો અને જિલ્લા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.
સામાજિક કાર્યકર જત હુસેન એસએ ગામની હાલત દર્શાવતો વીડિયો જાહેર કરીને સરકાર અને જિલ્લા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વિકાસના દાવાઓ વચ્ચે સરાડા મોટાના લોકો હજુ પણ પાયાની રસ્તાની સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે ગામમાં સી.સી. રોડ અને મેટલ રોડના કામોને મંજૂરી આપી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે, જેથી આગામી વરસાદી મોસમમાં લોકોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.