એક હૃદય માટે દેશના ઇતિહાસમાં પહેલીવાર વંદે ભારત અંકલેશ્વર રોકાઈ!

અકસ્માતે 22 વર્ષીય અતુલ ભાવેશભાઈ પટેલનું જીવન છીનવી લીધું, પરંતુ તેના પરિવારના એક નિર્ણયે છ પરિવારોમાં નવી આશા જગાવી. હાંસોટ તાલુકાના અલવા ગામના અતુલને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારજનોએ હૃદય, લિવર, બંને કિડની, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ સમય સામેની એવી જંગ શરૂ થઈ કે દેશમાં પ્રથમ વખત સ્ટોપેજ ન ધરાવતી વંદે ભારત એક્સપ્રેસને માત્ર એક હૃદય માટે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ખાસ રોકવામાં આવી.
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં અંગદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હૃદયને ગ્રીન કોરિડોર મારફતે સીધું અંકલેશ્વર રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યું. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલના પ્રયાસોથી રેલવે તંત્રએ તાત્કાલિક મંજૂરી આપતાં વંદે ભારત ટ્રેનને વિશેષ હોલ્ટ આપવામાં આવ્યો અને હૃદયને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે રવાના કરવામાં આવ્યું.
હૃદય ઉપરાંત લિવર, બંને કિડની અને સ્વાદુપિંડને અમદાવાદની IKDRC હોસ્પિટલ સુધી પહોંચાડવા ભરૂચ જિલ્લા પોલીસના સંકલન હેઠળ બીજો ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો. ભરૂચ સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય પોલીસ, તબીબો અને ડોનેટ લાઈફની ટીમે સમય સામેની આ જંગમાં અસાધારણ સંકલન દર્શાવ્યું.
અતુલની માતા રંજનબેન અને પરિવારજનોએ દુઃખ વચ્ચે માનવતાને પસંદ કરી કહ્યું કે, “શરીર તો એક દિવસ રાખ બની જવાનું છે, જો અમારા દીકરાના અંગોથી કોઈને જીવન મળે તો એ જ અમારી સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે.” પરિવારના આ નિર્ણયે સમગ્ર રાજ્યને ભાવવિભોર કરી દીધું.
આ ડોનેટ લાઈફ દ્વારા કરાવવામાં આવેલું 59મું હૃદયદાન અને ભરૂચ જિલ્લામાંથી થયેલું ત્રીજું હૃદયદાન છે. અત્યાર સુધી ડોનેટ લાઈફે 1,395 અંગો અને ટિશ્યૂના દાન દ્વારા દેશ-વિદેશના 1,286થી વધુ દર્દીઓને નવજીવન અને નવી દૃષ્ટિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
અતુલનું હૃદય અમદાવાદના 25 વર્ષીય યુવકમાં પ્રત્યારોપણ માટે મોકલાયું છે, જ્યારે અન્ય અંગો ત્રણ દર્દીઓમાં પ્રત્યારોપિત થશે. એક યુવાનનું જીવન ભલે અકસ્માતમાં અધૂરું રહી ગયું, પરંતુ તેની ધડકન હવે બીજા કોઈના જીવનમાં આશાનો શ્વાસ બનીને ધબકશે.