ઈ-20 : ગડકરીનાં ઘર સામે પ્રદર્શન

ઈથેનોલ મિશ્રિત ઈ-20 પેટ્રોલના વિરોધમાં સોમવારે ભારતીય યુવા કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકરોએ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનાં ઘરને ઘેરાવ કરવાની કોશિશ કરી હતી. માહિતી મુજબ પોલીસે કાર્યકરોને રોકી લઈ અને અનેક કાર્યકરોને પકડી પણ લીધા હતા. યુવા કોંગ્રેસના સ્થાનિક નેતા મેહુલ અડવાણીએ જણાવ્યું હતું કે, અમે અમારી લડાઈ જારી રાખશું. કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યકરોએ જણાવ્યું હતું કે, ઈ-20 પેટ્રોલ અમારા પર થોપવા સામે વિરોધ કરી રહ્યા છીએ. ઈ-20 પેટ્રોલથી વાહનોના એન્જિનને નુકસાન પહોંચે છે. ગ્રાહકોને ઈથેનોલનાં મિશ્રણવાળાં ઉપરાંત સામાન્ય પેટ્રોલ ખરીદવાનો સ્પષ્ટ વિકલ્પ મળવો જોઈએ. કોંગ્રેસ કાર્યકરોએ દાવો કર્યો હતો કે, ઈ-20 પેટ્રોલ સામે જનતામાં વિરોધ છે અને એ વિરોધને વાચા આપવા માટે જ આ પ્રદર્શન અમે કરી રહ્યા છીએ. દરમ્યાન, નાગપુર સાયબર પોલીસે સોશિયલ મીડિયા પર ભ્રામક વાતો ફેલાવનારાઓ વિરુદ્ધ પગલાં લેવા માંડયાં હતાં. ભારતીય ન્યાય સંહિતા હેઠળ અનેક ઈમ્ફ્લુએન્સર, કન્ટેન્ટ ક્રિએટર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી.