એક્સપોર્ટ-ઈમ્પોર્ટ માટે ગુગલમાં સર્ચ કરવું મોંઘું પડયું : 2.15 કરોડની છેતરપિંડી

જના એક શખ્સને સર્ચ માટે 2.15 કરોડના ધક્કો લાગ્યો છે. મળતી માહિતી અનુસાર મૂળ નેત્રાના હાલે ભુજ રહેતા મહેશકુમાર ચત્રભુજભાઈ મોતા એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો વ્યવસાય કરે છે. તેમણે બોર્ડરરેન્જ ભુજની સાયબર પોલીસ મથકે વિગતવાર નોંધાવેલી ફરિયાદની માહિતી મુજબ ગત 2025ના સપ્ટેમ્બર માસમાં તેમણે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ માટે ગુગલમાં સર્ચ કર્યું ત્યારબાદ તેમને ફોન આવ્યો અને પોતાનું નામ પ્રિયંકા કહી જણાવ્યું કે, અમે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કરતા લોકોને ઓનલાઈન વેબસાઈટ બનાવી આપીએ છીએ જેથી ઓનલાઈન ધંધો કરી શકો છો. આવી વેબસાઈટ બનાવા ફરિયાદીએ હા પાડતા મોકલાવેલી લિંકથી રજિસ્ટ્રેશન કર્યું અને ત્રણ વર્ષની મેમ્બરશીપ લીધી હતી. આ વેબસાઈટ પર દાડમ, ચણા, ઘઉં, તલ, ચોખા, મસાલા વિગેરેના ફોટા અને ભાવની વિગતો અને કંપનીની માહિતી સરનામું, મોબાઈલ નંબર વિગેરે અપલોડ કર્યા હતા. 2025 ઓગસ્ટમાં ફરિયાદીને એક મહિલાનો ફોન આવ્યો તમારી વેબસાઈટના આધારે કોલ કર્યો છે અમે ચોખા એક્સપોર્ટ કરવા માંગીએ છીએ, હું એકાંશ ગ્લોબલ પ્રાઈવેટ લિ. દિલ્હીથી બોલું છું. અમારી કંપની ચોખા એક્સપોર્ટ માટે વધુ નફો આપવાવાળા ખરીદનારની વ્યવસ્થા કરી આપશે. આ બાદ અવાર-નવાર ફોન આવ્યા તેમની કંપનીની મેમ્બરશીપ લેવા માટે અંતે રૂા. 3500 ગુગલ પે કરી મેમ્બરશીપ લીધી હતી. આ બાદ આ એકાંશ કંપની તેમજ યુ.એસ.એ. તથા ડેનમાર્ક એમ્બેસી કર્મચારી હોવાની ખોટી ઓળખો આપી ડીલો કરી દેવાની લાલચ આપી આવી ડિલ્સ કરાવી તેની રસીદ, પર્ચેસ ઓર્ડર તથા અલગ-અલગ સર્ટિફિકેટસ મોકલી આપી ડેનમાર્ક અને યુ.એસ.એ.ના ખરીદનારાઓ સાથે ચોખાની ડીલ ફાઈનલ કરવા માટે અલગ અલગ ચાર્જ, ટેક્સ ચુકવવા તથા ડોક્યુમેન્ટ અને બેન્ક ક્લીયરન્સ કરાવવાના બહાને, પ્રોસેસ આગળ વધારવા માટે અલગ અલગ તારીખે અલગ અલગ બેન્ક ખાતામાં ટુકડે ટુકડે રૂા. 2,00,28,577 ઓનલાઈન જમા કરાવડાવી તથા રોકડા રૂા. 15 લાખ લઈ ફરિયાદી સાથે કુલે રૂા. 2,15,28,577ની છેતરપિંડી કરી હતી. ફરિયાદીએ સાત આરોપી ડેનમાર્ક એમ્બેસી અને યુ.એસ.એ. એમ્બેસીના કર્મચારી તરીકેની ઓળખ આપનારાઓ તેમજ ડેનમાર્ક અને યુ.એસ.એ.ના ખરીદનાર ઉપરાંત ત્રણ બેન્કના ખાતાધારકો વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી છે.