વેપારીઓએ જુના-નવા વાહનોના વેચાણ અંગેનું રજિસ્ટર નિભાવી જરૂરી આધાર પુરાવા રાખવાના રહેશે
ભુજ-કચ્છ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ કોટડીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા જુના/નવા સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે લે-વેચ કરતા વેપારીઓએ નવા જુના સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે ખરીદી સમયે ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે વેપારીઓએ કોઈ માન્યતા પ્રાપ્ત દસ્તાવેજી પુરાવા રાખવાના રહેશે. વેપારીઓએ રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મેળવી તેની ખરાઈ કરી સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે વેચાણ સમયે બીલમાં સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરેનો પ્રકાર, ચેસિસ નંબર, ગ્રાહકનું પૂરૂં નામ, સરનામું, ટેલિફોન નંબર વગેરે લખવાનું રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૦૩/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે
સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કચ્છમાં કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં
ભુજ-કચ્છ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ કોટડીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલા તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં. મકાન ભાડે આપવામાં આવે ત્યારે મકાન માલિકનું નામ, ભાડે આપેલા મકાનની વિગત, વિસ્તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું, સંપર્ક નંબર સહિત, મકાન ભાડે આપેલું છે તથા માસિક ભાડુ કેટલું, કઇ વ્યક્તિઓને ભાડે આપેલું છે તેમના પાકા નામ, સરનામા, સપર્ક નંબર સહિત, મકાન માલિક અને ભાડૂઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ. સંપર્ક નંબર સહિત રજિસ્ટ્રર નિભાવવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લામાં તા.૦૩/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારા વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.