‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કચ્છ જિલ્લા ભાજપની અગત્યની બેઠક યોજાઈ

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ તથા ‘તિરંગા યાત્રા અભિયાન’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કચ્છ કમલમ્’ ખાતે જિલ્લા ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
બેઠકમાં તા. 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ, 2026 દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક ઘર, પ્રતિષ્ઠાન અને વ્યવસાયિક કેન્દ્રો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે જનજાગૃતિ લાવવી, વધુમાં વધુ નાગરિકોને અભિયાનમાં જોડવા તેમજ યુવાનો અને વિદ્યાર્થીઓની વિશેષ ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તા. 10 થી 14 ઓગસ્ટ દરમિયાન મંડલ કક્ષાએ તિરંગા યાત્રા, જિલ્લા કક્ષાએ અને મહાનગરમા ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના ગીતો સાથે કાર્યક્રમો, શહીદ સ્મારકો તથા વીર સપૂતોની પ્રતિમાઓ આસપાસ સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ જેવા કાર્યક્રમો યોજવા અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા દેશવાસીઓમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવશે.
વિશેષમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે 14મી ઓગસ્ટના રોજ વિભાજન વિભીશિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. આ અંતર્ગત તમામ જિલ્લા તેમજ મહાનગરોમાં પ્લે કાર્ડ અને બેનર સાથે મૌન રેલી પણ કાઢવામાં આવશે. આ ઉપરાંત વિભાજનથી પ્રભાવિત પરિવારોની મુલાકાત લેવામાં આવશે તેમજ એ વખતની કડવી યાદોનું સંસ્મરણ પણ કરવામાં આવશે. વિભાજન વિભીશિકા પર વિશેષમાં ચર્ચા કરવા અનુસંધાને પ્રત્યેક જિલ્લા મહાનગર માં એક વિશેષ મિટિંગનું પણ આયોજન હાથ ધરવામાં આવનાર છે.
જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી દ્વારા કચ્છ જિલ્લામાં આ અભિયાનને જનભાગીદારી સાથે ભવ્ય અને સફળ બનાવવા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કાર્યકર્તાઓને સક્રિય કામગીરી માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ લોકો સાથે મળીને કચ્છ તિરંગામય બની જાય એવો માહોલ સર્જવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ગાંધીધામ મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, મંડલ પ્રભારીઓ, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડલ પ્રમુખ-મહામંત્રીઓ તેમજ અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઉક્ત બેઠકમાં સ્વાગત પ્રવચન આ અભિયાનના જિલ્લાના ઇન્ચાર્જ બાલકૃષ્ણભાઈ મોતાએ જ્યારે સંચાલન અને આભારવિધિ જિલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેશભાઇ ખંડોર અને ભીમજીભાઈ જોધાણીએ કરી હતી અને આયોજનની વ્યવસ્થા આ અભિયાનના સહ ઇન્ચાર્જ ભરતભાઈ સોમજીયાણી, અશ્વિનભાઈ પંડ્યા તેમજ કિશોરસિંહ પરમારે સંભાળી હોવાનું ક્ચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.