અબડાસાના બાંડિયા સીમ વિસ્તારમાં વિજશોકથી મોરનું કમકમાટી ભર્યું મોત

અબડાસાના બાંડિયા ગામ સીમ વિસ્તારમાં ખાનગી પવન ચક્કી કંપનીની બેદરકારીના કારણે ફરી એકવાર મોરનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ ગામની દક્ષિણ દિશામાં આવેલી કંપનીની 33 કે.વી. વીજ લાઇનના પોલ નંબર 656 પાસે કરંટ લાગવાથી એક મોરનું કમકમાટીભર્યું મોત થયું હતું. સ્થાનિકોના કહેવા મુજબ આ વિસ્તારમાં વીજ કરંટથી ઘણા બધા પક્ષીઓના મોત થઈ રહ્યા છે. પહેલા પણ અહીં આ જ રીતે 18 થી 20 જેટલા મોર કાળનો કોળિયો બની ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ખાનગી કંપની દ્વારા સુરક્ષાના કોઈ પગલાં લેવામાં નથી આવતા. ગ્રામજનોએ વન વિભાગ અને વીજ તંત્ર પાસે આ મામલે તાત્કાલિક તપાસ કરવા માંગ કરી, આવા અબોલ પક્ષીઓના મોત અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો હતો.