રાપરના સઇમાં અનોખા તસ્કરો : આખું ટ્રાન્સફોર્મર ચોરી ગયા

રાપર તાલુકાના સઇ ગામમાં અનોખા ચોર પ્રગટ થયા છે, જેને દાગીનામાં નહીં પણ સીધા વીજતંત્રના 100 કિલોના ભારેખમ ટ્રાન્સફોર્મરમાં જ રસ પડયો હતો. મળતી માહિતી મુજબ સઇ ગામમાં રહેતા વૃદ્ધએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગામની વાણિયાર સીમમાં ગેબનશાપીરની દરગાહ આવેલી છે જ્યાં આ ફરિયાદી આરતી-પૂજા કરતા હોય છે. આ દરગાહમાં રોશની રહે તે માટે ફરિયાદીએ પોતાનાં નામે વીજતંત્રનું ટ્રાન્સફોર્મર લગાવ્યું હતું. ગત તા. 4/8ના સાંજે પૂજા કર્યા બાદ ગઇકાલે સવારે ફરિયાદી દરગાહે આવતાં લાઇટ નહોતી, તેમણે બોર્ડ તપાસ કરતાં તેમાં પણ વીજળી આવતી નહોતી. અંધારું હોવાથી લાઇટ કાપ હશે તેવું તેમણે જાણ્યું હશે, પણ બહાર જઇને જોતાં મકાન જેવડું આખું ટ્રાન્સફોર્મર જ ગાયબ હતું. તસ્કરોએ વાયર કાપીને થાંભલેથી રૂા. 32,000નું ટ્રાન્સફોર્મર કઇ રીતે ઉતારી લીધું એ જોઇને ગામલોકો પણ ચોંકી ગયા હતા. આ અંગે તપાસ બાદ વીજળીપ્રેમી  તસ્કરો જ આ મોટું કામ કરી ગયાનું સામે આવ્યું હતું. આ વીજળીચોરને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.