ત્રણ કરોડનું પાકિસ્તાની ખજૂર દિલ્હીની પાર્ટીએ મગાવ્યું’તું
પાકિસ્તાનથી થતી આયાત પરના ભારતના સંપૂર્ણ પ્રતિબંધને ટાળીને ત્રીજા દેશ મારફતે ખજૂર ઘૂસાડવાના મોટા પ્રકરણમાં આ માલ દિલ્હીની એક પાર્ટીએ મગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ કંડલા બંદર પરથી ડી.આર.આઇ. એ પાકિસ્તાની મૂળનું ત્રણ કરોડની કિંમતનું 364 મેટ્રિક ટન સૂકું ખજૂર કબજે કર્યું હતું. આ 13 કન્ટેનર જપ્ત કરી સી.એચ.એ. કોણ છે અને તેની ભૂમિકા શું છે ? તે સહિતની દિશામાં આ એજન્સીએ તપાસનો ધમધમાટ આદર્યો હતો. દરમ્યાન, પ્રાથમિક તપાસમાં આ માલ દિલ્હી સ્થિત એક પાર્ટી, વેપારી દ્વારા મગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આયાતકારોએ પ્રતિબંધિત કાયદાઓનો ભંગ કરીને માલ ભારતમાં ઘૂસાડવા માટે મહત્ત્વપૂર્ણ તથ્યો છુપાવ્યા હતા. આગામી સમયમાં આ પ્રકરણમાં મોટા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી.